વડોદરા, રાજપીપલા

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓની જાહેરાત થયા પછીથી શાસક પક્ષ અને એના મજબૂત નેતૃત્વમાં જાેડાવવાને માટે એક પછી એક સમાજ ઉમટી રહ્યો છે. એવામાં આજે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહની આગેવાનીમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના સોથી વધુ સભ્યો ભાજપમાં જાેડાયા છે. વડોદરાના સયાજીગંજ ખાતે આવેલ શહેર ભાજપના મુખ્યાલય ખાતે આ કોમ્યુનિટીના સૌથી વધુ કિન્નર સમાજના આગેવાનો ભાજપમાં જાેડાયા હતા. રાજપીપળા સ્ટેટના રાજવી પરિવારના સદસ્ય અને દેશના પ્રથમ રોયલ ગે પ્રિન્સ માન્વેન્દ્રસિંહ ગોહિલની હાજરીમાં અને શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, શહેર મહામંત્રી સુનિલ સોલંકી,મંત્રી કોમલબેન કુકરેજા, નીરુકુંવર, ઉર્વશીકુંવર, ક્રિષ્ના જાેશી, માનવી વૈષ્ણવ, આકૃતિ પટેલ, દેવાંશી બજાજ સહિતનાની ઉપસ્થિતિમાં કિન્નરોને પેજ કમિટીના સભ્યો બનાવાયા હતા. ભાજપના સ્થાનિક અગ્રણીઓએ ૧૦૦થી વધુ કિન્નરોને પક્ષનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે કિન્નર સમાજની રજૂઆતો પણ સાંભળવામાં આવી હતી.તેમજ આકૃતિ પટેલની ટ્રાન્સજેન્ડરની રહેઠાણ, રોજગારી અને સારવારની સમસ્યા બાબતે કરાયેલ રજૂઆતના સંદર્ભમાં કિન્નર સમાજને પડતી મુશ્કેલીઓને નિવારવાને માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ભાજપના વડોદરા ખાતેના મિશન -૭૬ અંતર્ગત વિજય મળે એને માટે કિન્નરોના આશીર્વાદ પણ ભાજપે મેળવ્યા હતા. તેમજ આ સમાજને સમાજનું એક અંગ બને એ દિશામાં પગલાં લેવાને માટે પ્રયત્ન કરવાની ખાતરી ઉચ્ચારી હતી.