ટોકિયો-

માન્યામાં ન આવે તેવી વાત છે પણ જાપાનમાં એક સાથે 134 વાહનોની એકબીજા સાથે ટક્કર થઈ હતી. ખૂબ લાંબા એક્સપ્રેસ વે પર પૂરપાટ વાહનો જઈ રહ્યા હતા ત્યારે એ બધા એકાએક એવા વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં ભારે હિમવર્ષાને પગલે રસ્તો એકદમ લપસણો થઈ ગયો હતો. આવી સ્થિતીમાં આગળના વાહનોએ એકાએક બ્રેક મારી દેતાં પાછળના વાહનો પણ એકમેકની અંદર ઘૂસી ગયા હતા અને અકસ્માતની વણજાર થઈ હતી.

આ અકસ્માતમાં આરંભિક હેવાલો મુજબ એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બીજા 200 જણાંને નાની મોટી ઈજાઓ થઈ હતી.  સરકારે કહ્યું હતું કે વિઝિબિલિટી ઘટી જતાં સ્પિડ લિમિટ ઘટાડી દેવાઈ હતી. છતાં વાહનો અથડાયા હતા. આ અકસ્માતને પગલે એકાદ કિમી સુધીની લાંબી લાઈન લાગી ગઈ હતી. સત્તાવાળાઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, એમ ચીફ કેબિનેટ સેક્રેટરી કાત્સોનુબુ કાતોએ પત્રકારોને કહ્યું હતું. તાજેતરનાં સપ્તાહોમાં જાપાનના અનેક શહેરો અને રસ્તા પર હિમવર્ષા થઇ હતી. જો કે સામાન્ય રીતે આ દિવસોમાં જાપાનમાં અનેક સૃથળે હિમવર્ષા તો થાય છે જ.