કારેલીબાગ આઈડી હોસ્પિટલમાં ૪૦થી વધુ વાઈરલ ફીવર, ૧૦થી વધુ કમળાની અસરના દર્દીઓ દાખલ
19, જુલાઈ 2022 792   |  

વડોદરા, તા.૧૮

શહેરમાં ચોમાસાની સીઝન પૂરબહાર ખીલી ઊઠી છે જેના પરિણામે સર્વત્ર પાણીથી નદીઓ, નાળા, તળાવો અને સોસાયટી વિસ્તારોમાં પાણીના ખાબોચિયાં તરબોળ થઈ ગયા છે. આ સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચકયું છે જેના લીધે પાણીજન્ય રોગ, કમળો, ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયા, શરદી-ખાંસી, તાવ, કોલેરા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારીઓમાં નિર્દોષ શહેરીજનો સપડાઈ રહ્યા છે. આજે શરદી અને કફની બીમારીની તકલીફ વધી જતાં એક ૭૨ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ સાથે કારેલીબાગ સાધનાનગર રોડ સ્થિત આવેલ ચેપીરોગના દવાખાનામાં ૪૦ થી ૪પ વાઈરલ ફીવર, ૧૦થી ૧૫ કમળાની અસર ધરાવતા દર્દીઓ દાખલ થયા હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાે કે, રોજ ૧૫૦થી ર૦૦ જેટલા દર્દીઓને ઓપીડીમાં તપાસવામાં આવે છે.

સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેર-જિલ્લામાં પણ ચોમાસાની સીઝન જામી છે અને આંતરે આંતરે વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. વરસાદી પાણીના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયાં ભરાઈ રહ્યાં છે. એટલું જ નહીં, સોસાયટી વિસ્તારો અને મહોલ્લા વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું હોવાથી સર્વત્ર ફરિયાદો ઊઠી રહી છે. શહેરીજનોને નાછૂટકે દૂષિત પાણી વાપરવાને કારણે નિર્દોષ લોકો પાણીજન્ય રોગચાળો, કમળો, ઝાડા-ઊલટી, ટાઈફોઈડ, ઝેરી મેલેરિયા, તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. આવા દર્દીઓ સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આવી રહ્યા છે. તબીબીસૂત્રોના જણાવ્યા મુજબ કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગના દવાખાને હાલ કમળાની અસર ધરાવતા ૧૦ થી ૧૫ દર્દીઓ, વાઈરલ ફીવરની અસર ધરાવતા ૪૦થી ૪પ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ રોગચાળો અટકાયતી કામગીરી દરમિયાન ડેન્ગ્યૂના બે, ચિકનગુનિયાના ચાર અને મેલેરિયાના એક દર્દી સહિત મળી આવ્યા હતા. બીજી તરફ શરદી અને કફની સારવાર માટે દાખલ થયેલ ૭ર વર્ષીય વૃદ્ધ વિક્રમસિંહ હિરાસિંહ ગોહિલ (રહે. નિઝામપુરા)નું સયાજી હોસ્પિટલમાં સારવાર વેળા મોત થયું હતું.

શહેરમાં કોરોનાના નવા ૫૪ કેસ નોંધાયા

શહેરમાં કોરોનાનું જાેર ઓછું થતાં આજે દિવસ દરમિયાન નવા ૫૪ કેસ નોંધાયા હતા. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસનો આંક ૭૮ સુધી પહોંચ્યો હતો, જેથી લોકો કોરોનાની દહેશતથી ફફડી ઊઠયા હતા. હાલ શહેરમાં ૩૬૧ કોરોનાના કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. ૩૩૫ લોકો હોમ આઈસોલેશનમાં અને ૨૧૬ લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. ૨૬ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય તેમને સારવાર આપવામાં આવી રહી છે. બે દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ રપ જેટલા વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૯૬૪ લોકોના કોરોના ટેસ્ટના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાંથી નવા ૫૪ કેસ સામે આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution