લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026 |
1980
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. રાજધાનીની બહાર આવેલા સેન્ટ્રલ ઇક્વેટોરિયા રાજ્યના જેબેલ ઇરાક વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ભારે વિનાશ મચાવ્યો છે. સોમવારે પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે સોનાની ખાણ પર થયેલા એક ભયાનક હુમલામાં ૭૦ થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ હુમલો જેબેલ ઇરાક સોનાની ખાણના વિસ્તારમાં થયો હતો, જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ અને સત્તાવાર ખાણકામ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં ખુલ્લા મેદાનમાં ડઝનબંધ મૃતદેહો પડેલા જાેઈ શકાય છે. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, હુમલા સમયે જીવ બચાવવા માટે ઘણા લોકો નજીકની ઝાડીઓમાં ભાગી ગયા હતા, જેમાંથી અનેક હજુ પણ લાપતા હોવાનું મનાય છે.પોલીસ પ્રવક્તા ક્વાસિવોક ડોમિનિક એમોન્ડોકે આ હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ, વિપક્ષી જૂથ SPLM/A-IO આ હત્યાકાંડની સખત નિંદા કરી છે અને તેનો સીધો દોષ સરકારી દળો પર ઢોળ્યો છે. વિપક્ષનો દાવો છે કે જેબેલ ઇરાક વિસ્તાર સંપૂર્ણપણે સરકારી દળોના નિયંત્રણ હેઠળ છે, તેથી આટલી મોટી સંખ્યામાં થયેલી હત્યાઓ માટે SSPDF જ જવાબદાર છે.