હાલોલ, તા.૨૬

ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવારના રોજ પાવાગઢ યાત્રાધામ ખાતે વહેલી સવારે માતાજીના દર્શન માટે કપાટ ખુલ્લા મૂકવામાં આવતા માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.હિન્દુ સમાજમાં ચૈત્રી નવરાત્રીનો અનેરો મહિમા હોય છે.નવરાત્રીના પાંચમા નોરતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે બે લાખ ઉપરાંત માઇભક્તો ઉમટી પડ્યા હતા.જગત જનની મા મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચૈત્રી નવરાત્રી પર્વને લઇ ૫૧ શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની મા કાલિકાનાં દર્શનાર્થે આવનાર લાખોની સંખ્યામાં માઇભક્તોને લઇ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ, એસટી વિભાગ પણ સજ્જ બની ગયું છે.ચૈત્રી નવરાત્રી પર્વ લઇને માતાજીના દર્શને આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ પોલીસ તંત્ર દ્વારા ૩ ડીવાયએસપી,૮ પીઆઈ, ૩૦ પીએસઆઈ,૨૫૦ પોલીસ,જીઆરડી,હોમગાર્ડ,મહિલા પોલીસ સહિત અંદાજિત ૭૦૦ જેટલા પોલીસ કર્મીઓ યાત્રિકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.પોલીસ દ્વારા જુદા જુદા પોઇન્ટો ઉભા કરી વિડિયોગ્રાફી,સીસીટીવી કેમેરાથી યાત્રિકો પર બાજ નજર રાખવામાં ઉપરાંત સ્ટેન્ડ બાય ફાયર તેમજ એમબ્યુલન્સ સજજ રહેશે.

જ્યારે એસ ટી નિગમ દ્વારા યાત્રિકોની અવર જવર કરવા માટે પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડથી માંચી ડુંગર સુધી અપડાઉન કરવા ૬૦ જેટલી બસો અવિરત દોડતી રહેશે.હાલોલ ડોકટર એસોશીએશન દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ડોકટરની ટીમ પણ ઉપસ્થિત રહેશે.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સીસીટીવી કેમેરાથી સજ્જ બની ખાનગી સિક્યુરિટી દ્વારા યાત્રિકો પર નજર રાખવામાં આવી રહી છે.રવિવારનારોજ વહેલી થવાથી જ પાવાગઢ ખાતે આવેલા ઉડન ખટોલા પણ વહેલી સવારથી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.