લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026 |
સુરત |
2772
એક તરફ સુરત ડાયમંડ બુર્સના કારભારીઓ સુરત ડાયમંડ બુર્સની કુલ ૪૨૦૦થી વધુ ઓફિસો પૈકી ત્રીજા વર્ષે માંડ ૧૦ ટકા ઓફિસો શરૂ કરાવી શક્યા છે, પરંતુ, આજે જ્યારે ડાયમંડ બુર્સના એ જ કારભારીઓએ સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી આજે પૂરા થયેલા હિસાબી વર્ષ દરમિયાન થયેલી આયાત નિકાસના આંકડા જાહેર કર્યા ત્યારે સ્વાભાવિક છે કે આંખો પહોળી થઇ જાય. સુરત ડાયમંડ બુર્સમાં વિકસાવવામાં આવેલા કસ્ટમ હાઉસમાંથી વિતેલા વર્ષ દરમિયાન કુલ રૂ.૪૨,૬૩૬ કરોડની જંગી રકમની આયાત નિકાસ નોંધાઇ છે.
સુરત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ લાલજીભાઇ પટેલે આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આજે પૂરા થયેલા હિસાબી વર્ષ ૨૦૨૫-૨૬માં સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત કસ્ટમ હાઉસમાંથી કુલ ૪૧૬૦ પાર્સલો મળીને કુલ ૫૧૨.૭૫ લાખ કેરેટના રફ ડાયમંડ કે જેની માર્કેટ વેલ્યુ રૂ.૪૧,૫૧૫ કરોડ (૪૬૭૩ મીલીયન અમેરીકન ડોલર)ની જંગી આયાત નોંધાઇ છે.
એવી જ રીતે સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી થયેલી કુલ નિકાસ પર નજર કરીએ તો વિતેલા હિસાબી વર્ષ દરમિયાન પોલિશ્ડ ડાયમંડ્સના કુલ ૯૨૮ પાર્સલ કે જેમાં ૧૭.૩૦ લાખ કેરેટ પોલિશ્ડ ડાયમંડ (જેમાં નેચરલ અને લેબગ્રોન બન્નેનો સમાવેશ) હતા તેની નિકાસ નોંધાઇ છે. નિકાસ થયેલા હીરાની બજાર કિંમત કુલ રૂ.૧,૧૨૧ કરોડ (૧૭૨ મીલીયન અમેરીકન ડોલર) જેટલી છે. આમ વિતેલા વર્ષ દરમિયાન સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાંથી થયેલી કુલ આયાત નિકાસના સંયુક્ત ટર્નઓવરની વાત કરીએ તો ૫૦૮૮ પાર્સલ દ્વારા કુલ રૂ.૪૨,૬૩૬ કરોડ (૪૮૪૫ મિલિયન અમેરિકન ડોલર)ની આયાત નિકાસ સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત થયેલા કસ્ટમ હાઉસમાંથી થઇ હોવાનું સરકારે ચોપડે નોંધાયું હોવાનું સુરત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ લાલજી પટેલે જણાવ્યું હતું.
આયાત થયેલા પાર્સલોમાં મુખ્યત્વે રફ નેચરલ ડાયમંડ - લેબગ્રોન ડાયમંડ સીડ્સનો સમાવેશ થાય છે. જ્યારે નિકાસ થયેલા પાર્સલોમાં કટ એન્ડ પોલીશ્ડ લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ અને ડાયમંડ સ્ટડેડ ગોલ્ડ જવેલરી તેમજ સિલ્વર જવેલરીનો સમાવશ થાય છે.