સાંસદોને ૯ મી સુધી દિલ્હીમાં રોકાવા આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2024  |   2673

નવી દિલ્હી ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે. ત્યારે ગુજરાતમાં ૨૬માંથી ૨૫ સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે. આર.ઓ. તરફથી અપાયેલા સર્ટિફિકેટને આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ગયેલા ગુજરાત ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.બીજી તરફ ૯મી તારીખ સુધી તમામ સાંસદોને દિલ્હીમાં રોકાવા આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ગુજરાતમાં ચાર કેન્દ્રિય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટ પર પુરો થયો છે. આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડમાં ભાજપને સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે. જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતાં તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સુત્રોમાં થઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution