માન. નિલેશસિંહ રાઠોડ, આપ મેયર પછી છો - પણ એ પહેલાં તો આપના વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રજાપ્રતિનિધિ છો. આપના જ વોર્ડની સરહદ પર આવેલું આ રૂા.૧ કરોડથી વધુનો ખર્ચ કરી બ્યૂટિફિકેશન કરાયેલું દંતેશ્વર તળાવ છે. લગભગ બે દિવસ અગાઉ આ તળાવ સાફ તો થયું, પરંતુ તેમાંની બધી જ ગંદકી-કચરો તળાવના પગથિયાઓ પર અને કાંઠા પર ઢગલા વાળી રખાયા છે. સ્વાભાવિક રીતે જ એ કચરો ફરી તળાવમાં જઈ રહ્યો છે. તળાવ ફરીથી એ જ કચરાથી ભરાઈ જાય એટલે ફરીથી એને સાફ કરાવવાનો, ફરી એકવાર ખર્ચ કરવાનો! બિચારા નાગરિકો વેરા ભરી-ભરીને મરી જાય... આપણે શું...? આપ પણ એવું જ વિચારશો? કે આ કચરો તત્કાળ ઉઠાવી લેવાના આદેશ આપશો? મેયર સાહેબ, બે જગ્યાએ દીપપ્રાગટ્યમાં નહીં જાવ તો ચાલશે, ચાર જગ્યાએ રિબીન કાપવા નહીં પહોંચો તો ચાલશે અને આપના રાજકીય પક્ષના અચાનક આવી ચઢેલા કોઈ મોવડીની ચાપલુસી કરવા બધા કામ પડતા મુકી એરપોર્ટ પર નહીં દોડી જાવ તો ચાલશે... પણ આમપ્રજાના પૈસે થયેલી કામગીરીમાં બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ નહીં બતાવો તો નહીં ચાલે.. કારણ, અઢી દાયકાના આપના શાસનથી ત્રાસીને નિરાશ થઈ ગયેલી પ્રજા જાે વિરોધ-ધરણાંની તલવાર ઉગામશે તો આપણું ક્ષત્રિયપણું લાજશે નહીં?(તસવીર કેયુર ભાટીયા)