લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025 |
વડોદરા |
17424
પ્રો. ધોળકિયાએ આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા સમજાવી
એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે એક પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકાનું પુનરાવલોકન વિષય પર એક પ્રેરક વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે યુનિવર્સિટીના પૂર્વ રજિસ્ટ્રાર અને રાજકીય વિજ્ઞાન વિભાગના વડા, પ્રો. અમિત ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રો. અમિત ધોળકિયાએ તેમના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું કે શિક્ષક માત્ર જ્ઞાન પ્રદાન કરનાર નથી, પરંતુ તેઓ સમાજના મૂલ્યો, સંસ્કૃતિ અને નૈતિકતાના સંવર્ધનનો પણ પાયો છે. તેમણે ડિજિટલ યુગના પડકારો વચ્ચે શિક્ષકો કેવી રીતે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે તે અંગે અસરકારક ચર્ચા કરી. તેમણે ભારતીય સંસ્કૃતિ અને સંગીતની પરંપરાના ઊંડા મૂળ પર ભાર મૂક્યો, જે ટેકનોલોજીના પ્રવાહથી પ્રભાવિત નહીં થાય.
તેમણે જણાવ્યું કે, "ટેકનોલોજી દ્વારા વિકલ્પો અનેક મળશે, પરંતુ તેમાં નૈતિકતાના મૂલ્યો કે સાચું માર્ગદર્શન નથી મળતું. તે વિવેચન પણ નહીં કરી શકે, માટે શિક્ષકની જરૂરિયાત હંમેશા રહેશે જ. માત્ર ટેકનોલોજીથી શિક્ષણ સાર્થક થઈ શકશે નહીં." આ વક્તવ્ય દ્વારા તેમણે શિક્ષકોના અદમ્ય મહત્વને રેખાંકિત કર્યું.
કાર્યક્રમનું સ્વાગત ઉદબોધન ગાયન વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ કેલકર દ્વારા કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સફળ સંકલન જનક જશાકીયા, ડૉ. જયદીપ લકુમ અને સંચાલક ડૉ. ભાવિક માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં ફેકલ્ટીના અધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આવા શૈક્ષણિક વ્યાખ્યાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે પ્રેરણાદાયી છે અને ભવિષ્યની પેઢીના ઘડતરમાં તે મહત્વપૂર્ણ સાબિત થશે.