મહુધા : મહુધા નગરમા ખાડિયા તળાવની પાછળ નડિયાદ એલસીબી દ્વારા બાતમીના આધારે મહુધા પોલીસના નાક નીચે સફિયોદ્દીન ઊર્ફે સફી વજુદ્દીન કાજી દ્વારા ચલાવવામાં આવતાં જુગારધામ પર છાપો મારી ૭ જુગારિયાઓને સહિત રૂ.૧૭,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા પોલીસના નાક નીચે છેલ્લાં ઘણાં સમયથી અનૈતિક બદીઓ ફુલીફાલી છે. ત્યારે નડિયાદ એલસીબી દ્વારા છેલ્લા દસ દિવસમાં મહુધા ખાતે જુગારનો બીજાે છાપો મારી મહુધા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભાં કરી દીધાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ નડિયાદ એલસીબી ટીમને બાતમી મળી હતી કે, નગરના ચોખંડી ભાગોળનો સફિયોદ્દીન ઊર્ફે સફી વજુદ્દીન કાજી છેલ્લાં ઘણાં સમયથી અન્ય જિલ્લાના માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડી રહ્યો છે, જેનાં આધારે ગત રોજ મહુધા નગરના ખાડિયા તળાવની પાછળ આવેલ ઝાડીમાં એલસીબી દ્વારા છાપો મારતાં ૭ જેટલાં શકુનીઓ પકડાયાં હતાં, જ્યારે અન્ય છ જેટલાં ઇસમો સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યાં હતાં. પકડાયેલાં તમામની અંગ જડતી લેતાં રૂ.૧૧,૪૦૦ રોકડ અને દાવ પર મૂકેલાં રૂ.૩૭૦૦ સહિત ૪ મોબાઇલ કિં.રૂ.૨૫૦૦ મળી કુલ રૂ.૧૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમાડનારો મુખ્ય આરોપી સફિયોદ્દીન ઊર્ફે સફી વજુદ્દીન કાજી પણ સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યો હતો. સમગ્ર મામલે નડિયાદ એલસીબી દ્વારા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંેધાવી મુખ્ય આરોપી સહિત અન્ય શકુનીઓની શોધખોળ આદરી હતી.

જુગાર રમતાં કોણ કોણ પકડાયું?

૧. અબ્દુલકાદર ગુલામઅલી શેખ, રહે.સરખેજ (અમદાવાદ)

૨. અરવિંદભાઇ ચુનીલાલ પટેલ, રહે.મેડા આદરજ (તા.કડી,જિ.મહેસાણા)

૩. પ્રવિણભાઇ ધનજીભાઇ માલવીયા, રહે.નિકોલ (અમદાવાદ)

૪. અમરતભાઇ સોમાભાઇ કટારા, રહે.ઓઢવ ગામ (અમદાવાદ)

૫. સલીમભાઇ ઇસ્માઇલભાઇ સાયકલવાળા (છીપા) (બિસલપુરવાળા), રહે.જમાલપુર(અમદાવાદ)

૬. ગુલામજાફર ગુલામચિસ્તી રાજકોટવાળા, રહે.જમાલપુર (અમદાવાદ)

૭. બાબુરામ સોમાજી ભીલ, રહે.અમરાઇવાડી (અમદાવાદ)

એલસીબી વધુ હોંશિયાર કે જુગારધામ ચલાવતો સફિયોદ્દીન? જેને એલસીબી પકડી ન શકી અને ભાગી છૂટવામાં સફળ થયો?

એક ચર્ચા મુજબ, મહુધા નગરમાં અલગ અલગ જિલ્લાના માણસો જુગાર રમવા આવતાં હોવાની વાત મહુધા પોલીસની જાણ બહાર હોય તે શક્ય નથી. આ ઉપરાંત નડિયાદ એલસીબી દ્વારા આવડાં મોટાં જુગારધામ પર છાપો મારી ફક્ત રૂ.૧૭ હજારનો મુદ્દામાલ હાથે લાગવો એ પણ વાત નગરજનોના ગળે ઊતરે તેમ નથી. સૌથી મોટી વાત એલસીબી વધુ હોંશિયાર કે જુગારધામ ચલાવતો સફિયોદ્દીન? જેને એલસીબી પકડી ન શકી અને ભાગી છૂટવામાં સફળ થયો?