મુંબઈ-

'તાઉતે'વાવાઝોડાની અસર હેઠળ ગઈકાલે મુંબઈ નજીકનાં બોમ્બે હાઈ વિસ્તારમાં ફસાઈ ગયેલા ચાર જહાજોના 620 લોકોને નૌકાદળે બચાવી લીધા છે. જયારે હજુ 93 લોકોની દરીયામાં તલાસ છે. તાઉતે વાવાઝોડુ મુંબઈ નજીકથી પસાર થયુ હતું અને તેના કારણે અહી ભારે વરસાદ ઉપરાંત દરીયો તોફાની બન્યો હતો અને તેમાં બોમ્બે હાઈની ઓઈલ રીંગમા કામ કરતા સેંકડો કામદારો અને ટેકનીશ્યનોને કિનારા પર લાવવા માટે પી-305 સહિતના ચાર બાર્જને કામે લગાડાયા હતા. પરંતુ તોફાની દરીયામાં આ બાર્જ ફસાઈ ગયા હતા અને ડુબવા લાગ્યા હતા જેમાં પી-305 ઉપર રહેલા 273 ને બચાવાયા છે.જયારે અન્ય જહાજો ઉપર જે મૌજુદ હતા તેમાં કુલ 713 માંથી 620 ની રેસ્કયુ કરી દેવામાં આવ્યું છે.પણ હજુ 93 લોકો લાપતા છે.તેમને શોધવા માટે હવાઈ દળનાં પેટ્રોલીંગ વિમાનો અને હેલીકોપ્ટરને પણ કામે લગાડાયા છે. પરંતુ હવે 48 કલાક જેવો સમય વિતી ગયો હોવાથી તેઓ સુરક્ષીત છે કે કેમ તે પ્રશ્ન છે. અધિકારીના જણાવ્યા મુજબ એસએસ-3 પર રહેલા 193 લોકો અને ઓઈલ રીંગ સાગર ભૂષણ પર 101 લોકો સુરક્ષીત છે અને જેઓને ધીમે ધીમે પરત લાવવામાં આવી રહ્યા છે.હવે વાવાઝોડુ સમી જતા આ કામગીરી ઝડપી બનશે.

ભારતીય નૌકાદળનાં જણાવ્યા અનુસાર P8I સર્વેલન્સ એરક્રાફ્ટની સહાય રાહત કાર્યમાં લેવામાં આવી રહી છે. આ સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. નૌસેનાએ દરિયામાં રાહત આપવા માટે પૂરી શક્તિ આપી છે. મળતી માહિતી પ્રમાણે, કુલ 273 લોકો બાર્જ P305 માં હતા. આઈએનએસ કોચ્ચી અને આઈએનએસ કોલકાતા યુદ્ધ બોટની મદદથી, તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બીજા સપોર્ટ જહાજનો ટેકો લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે.