વરસાદથી પલળી ગયેલો સાડી અને ડ્રેસ મટિરિયલ્સનો માલ મફતનાં ભાવમાં વેચવા કાઢ્યો ત્યાં પાલિકાનાં કર્મચારીઓ ઉંચકી ગયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   1980

શહેરમાં ભારે વરસાદથી લક્ષ્મણનગરનાં ૩૦૦૦થી વધુ સાડી અને ડ્રેસ મટીરિયલનાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. દુકાનોમાં ૧-૨ ફૂટ પાણી ભરાતા લાખોનો માલ પલળી ગયો. રૂપિયા ૧૦૦૦નો માલ માત્ર ૫૦-૧૦૦માં વેચવા મજબૂર વેપારીઓ પર પાલિકાનાં દબાણખાતાએ દમન ગુજાર્યો હોય તેમ સામાન ઉપાડી લેતા વેપારીઓ રોષે ભરાયા છે.

પુણાગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગરમાં સાડી અને ડ્રેસ મટીરિયલની ૩૦૦૦થી વધુ દુકાનો આવેલી છે. વરસાદી પૂરનાં કારણે મોટાભાગની દુકાનોમાં ૧થી ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. તહેવારોની સીઝન હોવાથી ભરેલો લાખો રૂપિયાનો નવો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુશ્કેલીના આ સમયમાં વેપારીઓને સહાય કે સાફ-સફાઈની જરૂર હતી, તેના બદલે વરાછા ઝોનની ટીમ અચાનક દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી હતી. લક્ષ્મણ નગરમાં હેન્ડલૂમ અને ડ્રેસ મટીરિયલની ૨ દુકાનો ધરાવતી મહિલાએ આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ૩૦ લાખનો માલ દુકાનમાં ભરાવ્યો હતો. પરંતુ મારી જિંદગીની આખી કમાણી વરસાદનાં પાણીમાં ધોવાઈ ગઈ હતી. આ ભીનો માલ માત્ર ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયામાં વેચવા કાઢ્યો ત્યાં જ આજે પાલિકાએ બધો માલ ઉપાડી લીધો હતો. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અહીં કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, ૩ દિવસથી ફોન કરીએ છતાં મનપાનાં કર્મચારીઓ કચરો ઉપાડવા પણ ન આવી. ચાર-ચાર દુકાનો ધરાવતા અને રોડ પર ભીના કપડાં વેચી રહેલા અન્ય એક વેપારીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી ૪ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ૨૦ લાખનો માલ ભીનો થઈ ગયો છે. છેલ્લા ૩ દિવસથી અમે મનપાને સતત કોલ કરી રહ્યા છીએ, પણ કચરો કે ગંદકી ઉપાડવા કોઈ ફરક્યું નથી. હજી સુધી અમારી મુલાકાતે કોઈ સ્થાનિક કોર્પોરેટર પણ નથી આવ્યા. વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો છે કે હજુ તેઓ પૂરનાં ફટકામાંથી બહાર પણ નથી આવ્યા ત્યાં પાલિકાના કર્મચારીઓ મદદ કરવાના બદલે રોડ પર સુકવવા મૂકેલો માલ, દુકાનોનાં બોર્ડ અને બેનરો જપ્ત કરવા લાગ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution