લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
4059
સુરત, પરવતગામમાં ચૌધારી દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામનું સંપૂર્ણ ડીમોલિશન નહીં કરવા માટે લિંયાબત ઝોનનાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાએ સોદો કર્યો હતો. પોતાના પન્ટર ઇસ્માઇલ પરવાના અને મનોજ ઠાકોર પાસે ચૌધરીને કોલ કરાવી એવી ચીમકી અપાઇ હતી કે, ૨૧ લાખ રૂપિયા વ્યવહાર નહીં કરો તો બાંધકામનુ ગ્રાઉન્ડ ઝીરો ડોમોલેશન કરાવી દેવામા આવશે. બાદમાં તેઓએ ૧૫,૦૦,૦૦૦ રૂપિયામાં સમાધાન કર્યું અને ચૌધરીની ગણેશવાલા સાથે વાત પણ કરાવી હતી. લાંચના ૧૫ લાખ પૈકી પહેલા હપ્તા પેટે ૦૪ લાખ રૂપિયા પરવાનાએ તેની ઓફિસમાં આવી જવા કહ્યું હતું. ચૌધરીએ આ અંગે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતાં ઇન્સપેક્ટર કલ્પેશ ધડુકે ટ્રેપ ગોઠવી હતી. જાે કે, ચાલાક પરવાનો લાંચની રકમ લઇ ફરાર થઇ ગયો હતો. અધિકારી વતી લાંચ લેનાર હાથમાંથી છટકી જતા એસીબીની ટીમ નાલેશી જનક સ્થિતિમાં મૂકાઇ હતી. સામાન્ય રીતે પન્ટર લાંચ માંગતો હોય ત્યારે એસીબી તેને પકડવા છટકું ગોઠવે એ સાથે જ જે તે કર્મચારી કે અધિકારી ઉપર જી ટીમની વોચ ગોઠવી દેવાય છે. પન્ટર પકડાય એટલે એ સરકારી કર્મચારીને પણ ડિટેઈન કરી લેવાય છે. જાે કે, રાજકારણીઓનાં લાડકા ગણેશવાલાનાં કેસમાં આવું થયું ન હતું. ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે જ નોંધાયેલી ફરિયાદમાં ગણેશવાલાનું નામ આરોપી તરીકે હોવા છતાં તેની જરાય શોધખોળ કરાઇ ન હતી. એટલું જ નહીં ગણેશવાલા ૨૦મી તારીખે સવારે નોકરીએ પણ પહોંચી ગયા હતાં. તેઓ અઢીથી ત્રણ કલાક ફિલ્ડમાં ફર્યા બાદ ગાયબ થઇ ગયા હતાં. ગણેશવાલા ગાયબ થયાના કલાક બાદ એસીબીની ટીમ તેમના ઘરે પહોંચી હતી. આ બધી બાબતોથી એસીબીની કાર્યવાહી શંકાનાં ઘેરામાં આવી ગઇ હતી. ૨૦મીએ ગણેશવાલા ભાગી ગયા બાદ એસીબીએ તેના ઘરે અને બેંક લોકરની તપાસ કરી હતી. જેમાં ૫૫ લાખના દાગીના મળી આવ્યા હતાં. ત્યારબાદ પણ એસીબી તો ગણેશવાલાને પકડી શકી ન હતી. જાે કે, આશ્ચર્યજનક રીતે ગણેશવાલા ૨૭મીએ એસીબીમાં હાજર થઇ ગયો હતો. ઇન્સ્પેક્ટર સોલંકીએ ગણેશવાલાની ધરપકડ કર્યા બાદ આજે ૨૮મી તારીખે તેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગણેશવાલા તેઓની ફરજમાં આવતી કાયદેસરની કામગીરી કરવાને બદલે આ રીતે ગેરકાયદેસર રીતે તેઓના કાર્યક્ષેત્રમાં ચાલતા બાંધકામ કરતા કોન્ટ્રાકટર/માલિકો પાસેથી લાંચની માંગણી કરી પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કર્યો હોવાની હકીકત જણાઈ આવી છે. તેમણે આ પ્રકારે અન્ય કેટલા કોન્ટ્રાકટર/માલિકો પાસેથી બંન્ને પરવાના અને મનોજ સાથેના એકબીજાના મેળાપીપણામાં કેટલી લાંચ લીધી છે તેની તપાસ કરવાની છે. પરવાના સાથેના સંબંધ, લાંચની રકમ લઇ ભાગી ગયેલા પરવાના અંગે માહિતી મેળવવા, લાંચની રકમમાંથી ઉપરી અધિકારી કે સહકર્મચારીઓને ભાગ આપવામાં આવતો હતો કે કેમ વિગેરે મુદ્દાઓની તપાસ માટે ગણેશવાલાની હાજરી જરૂરી હોવાની રજૂઆત કરાઇ હતી. કોર્ટે આ દલીલો ધ્યાને રાખી બીજી તારીખ સુધીના રિમાન્ડ આપ્યા હતાં.