વડોદરા, તા.૨૫

શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ને વડોદરામાં વચ્ચે સારી કામગીરી થઈ હતી, ફરી ઝુંબેશ પકડે અને ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ફરી ટકોર કરતાં ભાજપાના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, શહેરમાં જે ગાયો અને રખડતાં ઢોર છે એને રોકવા માટે પાલિકાના જે નિયમો, જાેગવાઈઓ છે તે પૂરતી છે. નવા કાયદાની કોઈ જરૂર નથી. કોર્પોરેશનના કાયદાથી જ કંટ્રોલ કરી શકાય છે તેમ તેમણે કહ્યું હતુ. આમ કહી પાલિકા આ સમસ્યાના નિરાકરણ માટે નિષ્ફળ રહ્યાની અપ્રત્યક્ષ ટકોર કરી હતી.

વનડે, વડ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલથી વડોદરા જિલ્લાના પ્રવાસે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ છે ત્યારે આજે બપોરે વરણામા ખાતે પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ, રેલીનો કાર્યક્રમ તેમજ સંગઠનના પદાધિકારીઓ, સાંસદ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કર્યો અને નાની મોટી ફરિયાદો-સૂચનો સાંભળ્યા, જેમાં ખાસ રજૂઆતો એક્સપ્રેસ-વે કે બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન ગઈ છે તેમને યોગ્ય વળતર ઝડપથી મળે તેવી કેટલીક રજૂઆતો કરી છે. રોડ રિપેરિંગ, નાના મોટા બ્રિજના કામો વગેરેની રજૂઆતો આવી છે તેમ તેમણે કહ્યું હતું.

રખડતાં ઢોરોની સમસ્યા અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મેં ફરી મેયરને ટકોર કરી છે કે અગાઉ સારું કામ થયું હતું.

 ફરીવાર આવી ઝુંબેશ શરૂ કરે અને આ સમસ્યાનું નિરાકરણ કરે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શહેરોની અંદર જે ગાયો અને રખડતા ઢોર છે તેને રોકવા માટે મહાનગરપાલિકાઓના જે નિયમો, જાેગવાઈઓ છે તે પૂરતી છે. જે વધારાનો કાયદો બન્યો હતો તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાયો માટે લાઈસન્સ લેવું તે વધારે પડતું હતું. એટલે મુખ્યમંત્રીને એની રજૂઆત કરી છે કે જે રજૂઆત આવી છે તેના આધારે ફરી વિચારણા કરવી જાેઈએ. ગ્રામ્ય વિસ્તારમાં ગાયો રાખતા હોય કે રખડતી ગાયો, ઢોર હોય તેમને લાઈસન્સ લેવું, દંડ કરવો કે જેલ કરવી તે યોગ્ય નથી. પરંતુ શહેરમાં રખડતી ગાયોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, અકસ્માતો થાય છે તે સમસ્યાના નિરાકરણ માટેનવો કાયદો બનાવવાની જરૂર નથી. કોર્પોરેશનના કાયદાથી જ કંટ્રોલ કરી શકાય છે. આમ, શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરાય તેવી અપ્રત્યક્ષ ટકોર તેમણે કરી હતી.