લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026 |
2277
સુરત, ડિંડોલીમાં ફ્લાવરગાર્ડન પાસે ભરબપોરે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનાં સમર્થક યુવકની સરાજાહેર ક્રૂરતાથી હત્યા કરનારાઓનો ડિંડોલી પોલીસે મંગળવારે વરઘોડો કાઢ્યો હતો. પંચનામા ઓથે કાઢવામાં આવેલા આ વરઘોડાનાં વીડિયો સુરત શહેર પોલીસનાં ફેસબુક પેજ પર મૂકાતાં શહેરીજનોએ ભારે ટીકા કરી હતી. પોલીસે ખૂબ માર માર્યો હોય એ રીતે લંગડાતાં ચાલતાં હુમલાખોરો ઓવર એક્ટિંગ કરતાં હોવાથી માંડી આવા નાટક કરાવતાં પોલીસને શરમ આવવી જાેઇએ, કઠોર કાર્યવાહીનો દેખાડો કરી નાગરિકોની આંખમાં ધૂળ નાંખવાનું બંધ કરો એવી સેંકડો કઠોર કોમેન્ટથી પોલીસની વાસ્તવિક છબી ઉજાગર થઇ ગઇ હતી. સુરત પોલીસ કાયદાનું ભાન કરાવવાનાં નામે છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. વરઘોડા કાઢવાથી ગુનેગારોમાં ધાક બેસે, તેઓ ગુનાખોરી કરવાનું બંધ કરી દેશે એ ભ્રમ હોવાનું અધિકારીઓ જાણે અને માને પણ છે. જાે કે, સરકારનો પડ્યો બોલ ઝીલવાની માનસિકતાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ ઉભા થયા છે. વરઘોડા કાઢવાના શરૂ કરાયા બાદ શરીર સંબંધી ગુનાઓમાં કેટલો ફરક પડ્યો એ અંગે ખુલીને વાત કરવા કોઈ તૈયાર નથી. એકબીજાની દેખાદેખી અને સાહેબને ખુશ કરવાની હોડમાં વરઘોડાની ગંભીરતા કહો કે અસરકારકતા તળિયે બેસાડી દેવાઇ છે. લંગડાતા ચલાવી કાયદાનું ભાન કરાવાય છે એ બદમાશ થોડા સમયમાં ફરી પાછો એવા જ ગુનામાં પકડાય છે. લિંબાયત, ગોડાદરા, ડિંડોલી વિસ્તારમાં તો બદમાશો મારા આટલા વરઘોડા નીકળ્યા તારે કેટલા એવું પૂછવા માંડ્યા છે. વરઘોડો નીકળો એટલે સ્ટેટ્સ વધવું એવું ગુનેગારો માનવા માંડ્યા છે. ગુનાખોરીની વાત કરીએ વર્ષ ૨૦૨૫માં ૧૮મી માર્ચ સુધી શહેર પોલીસના ચોપડે હત્યાના ૦૯ ગુનાઓ નોંધાયા હતાં. જ્યારે ૨૦૨૬માં આ જ સમયગાળામાં ૨૬ મર્ડર થઈ ચૂક્યા છે. આ આંકડો ગૃહમંત્રીનાં હોમ ટાઉનમાં પોલીસ કેટલી એફિશિયન્સીથી કામ કરી રહી છે એનો ચિતાર આપવા માટે પુરતો છે. ડોલી ફ્લાવર ગાર્ડન પાસે રહેતાં આશિષસિંહ રાજપૂતને રવિવારે બપોરે શ્રીકૃષ્ણ મોલ સામે ર્નિમમપણે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી જાહેરમાં મોતને ઘાટ ઉતારાયો હતો. આ કેસમાં પોલીસે પાંચ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતાં. પહેલા દિવસે ડિંડોલી પોલીસે કોઇ ચોક્કસ એજન્ડા સાથે આ પાંચેય જણાને બુરખા પહેરાવી, તેમની ઓળખ છૂપાવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસે ટકોમુંડો કરાયેલાં આ યુવકોને ઘટના સ્થળે લઇ જઇ પંચનામું કર્યું હતું. જેમાં હુમલાખોરો લંગડાતા ચાલવાનું તરકટ કરતાં જાેવા મળ્યા હતાં. દયામણો ચહેરો કરી માફી માંગતા આ યુવકોનો વીડિયો પોલીસે જાતે ઉતાર્યો અને વાહવાહી લૂંટવા વાયરલ પણ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી પોલીસ આરોપીઓને ગુનાનાં સ્થળે લઇ જઇ વાંકા ચૂંકા ચલાવી, હાથ જાેડાવી, કાન પકડાવી વરઘોડો કાઢવા માંડી છે. એટલું જ નહીં પોતાના આઠ દસ ચમચાઓને વરઘોડામાં સામેલ કરી નારાબાજી કરાવવાનો શોખ પણ પરવાન ચઢ્યો છે. પંચનામા ઓથે કાઢવામાં આવતા વરઘોડાનાં વીડિયો સુરત પોલીસનાં સોશિયલ મીડિયા પેજ પર અપલોડ પણ કરવામાં આવે છે. આ વીડિયો સાથે કાયદાનું ભાન કરાવતી પોલીસ એવા ટાઇટલ અચૂક જાેવા મળે છે. ડિંડોલીનાં ચકચારી હત્યા કેસમાં પણ પોલીસે આવો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જાે કે, આ વીડિયોમાં હુમલાખોરોએ તેઓ પોલીસથી બહુ ડરે છે એવું જતાવવાના નામે જે નાટક કર્યું એમાં તેમની ઓવર એક્ટિંગ ઉડીને આંખે વળગી હતી. આ વિડીયો નીચે નાગરિકો દ્વારા જે કોમેન્ટ કરાઇ એ કમિશનર અનુપમસિંહ ગહલૌત જ નહીં, જેના શબ્દોને અનુસરતાં આ નાટકબાજી શરૂ થઈ એ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બીનચૂક વાંચવી જાેઇએ તેવું પણ લોકો કહી રહ્યાં છે. સરકારની છબી ઉજળી દેખાડવા માટે નાગરિકોની આંખમાં ધૂળ નાખવાનો પોલીસનો પ્રયાસ કેવો ફારસરૂપ પુરવાર થઇ રહ્યો છે એની પ્રતીતિ આ કોમેન્ટ કરાવી રહી છે. સુરત શહેર પોલીસના ફેસબુક પેજ પર ડિંડોલી પોલીસનાં વીડિયો નીચે પાંચસો જેટલા નાગરિકોએ કોમેન્ટ કરી હતી. જેમાં ૯૯ ટકા નાગરિકોએ વરઘોડાનાં નામે પોલીસ તરકટ કરતી હોવાનું લખ્યું હતું. સોશિયલ મીડિયાઘેલાં બનેલા પોલીસ અધિકારીઓએ વીડિયો નીચે આવતી આવી બધી કોમેન્ટ વાંચવી અને લોકો શું વિચારે છે એ સમજવું જાેઇએ.
આવી ૫૦૦ કઠોર કોમેન્ટ કરી ≪જાએ પોલીસનાં કામ આમળ્યાં
ઓવર એક્ટિંગ, સરખું શીખવાડીને લાવતા હો તો..
એકબીજાને જાેઈ લંગડા ચાલવાની એક્શન કરાઇ રહી છે.
પોલીસે ઓવર એક્ટિંગનાં પૈસા કાપી લેવા જાેઇએ.
અભિયન શીખવા હવે થિયેટર નહીં પોલીસ સ્ટેશનમાં જવું જાેઇએ.
આવા બદમાશોને પાળનારાઓનાં વરઘોડા ક્યારે કાઢશો.
જનતાને બધી ખબર જ છે, નાટક બંધ કરો.
ધાક તો ઓસરી ગયો, હવે આબરૂ શું કામ કાઢો છો.
સારી એક્ટિંગ નહીં કરવા બદલ આ બધાએ હવે વધારે પૈસા આપવા પડશે.
અરે આ તો બહુ માર્યા લાગે છે, પણ વાસ્તવિકતાં તો આ ચાર અને સાહેબ જ જાણે.
શું સુંદર એક્ટિવ કરાવી થે વાહ, સ્ટાફને લાખ લાખ વંદન
જેના ઘરનો ચિરાગ બુઝાયો એમની વેદના સાંભળો, નાટકબાજી બંધ કરો
ગુજરાત પોલીસે નૌટંકીમાં કેજરીવાલને ગુરુ બનાવ્યા લાગે છે
રોજ વરઘોડા કાઢો છો પણ શહેરમાં ગુનાખોરી કેમ અટકતી નથી
એક ઓસ્કાર એવોર્ડ સુરત પોલીસને પણ મળવો જાેઇએ