અમદાવાદ-

સાણંદના વાસણા ગામની સીમના ઉમા એસ્ટેટમાં મોડી રાત્રે એક યુવકની હત્યા કરાઈ. સાણંદ પોલીસને જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. તપાસ કરતા વિકૃત હાલતમાં બોડી મળી આવી હતી અને તપાસ કરી તો મૃતકનું નામ વિજય પરમાર હતું.

પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ કરી તો હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ મૃતકનો મોટો ભાઈ જ નીકળ્યો. પોલીસે મૃતકનાં મોટાભાઈ એવા આરોપી સંજય પરમારની અટકાયત કરી અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેનો નાનો ભાઈ એવો મૃતક વિજય પરમાર કોઈ કામધંધો કરતો ન હતો. તેને કામ કરવા બાબતે કહેવામાં આવે તો તે બબાલ કરતો હતો. હત્યાની રાત્રે પણ કંઈક આવું જ બન્યું હતું. જેથી સીમમાં અંધારામાં સંજય પરમાર અને તેના મિત્ર સંજુ રાયને મૃતક સાથે બોલાચલી થઈ અને મોઢા તથા શરીરનાં અન્ય ભાગોમાં પત્થર મારી દેતા યુવકનું મોત નીપજ્યું. હાલ તો પોલીસે મૃતકનાં મોટા ભાઈ અને તેના મિત્રની ધરપકડ કરી છે પણ સામાન્ય વાતમાં સગા ભાઈની હત્યા નિપજાવનાર આરોપીને વધુમાં વધુ સજા મળે તેવા પુરાવા ભેગા કરી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.