વડોદરા, તા. ૧૨

સમીયાલા ગામમાં બે દિવસ પહેલા રાત્રે નીકળેલા લગ્નના વરઘોડામાં મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવાના મુદ્દે ગામમાં રહેતા મુસ્લીમો અને વરઘોડામાં સામેલ ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મુસ્લીમોના શસસ્ત્ર ટોળા દ્વારા હુમલા બાદ બંને પક્ષોનો ટોળા વચ્ચે સામસામે પથ્થરમારા બાદ પાંચ વાહનોની આગચંપી થતાં નાસભાગના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. જેથી બંને પક્ષે સામસામે ટોળા સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને કોમના કુલ ૩૩ની ધરપકડ કરી હતી જેમણે આજ રોજ તમામને જામીન મુક્ત કર્યા હતાં.

ગોવિંદભાઇ સોમાભાઇ પટેલના ખેતરમાંથી વાજતે ગાજતે પુત્રનો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. તે સમયે રાત્રીના સમયે ગામમાં આવેલ મસ્જીદ પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલીચાલીનુ ઉગ્ર સ્વરૂપ ધારણ થઇ જતા મામલો બિચક્યો હતો અને બંન્ને કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેથી સામસામે થયેલા પથ્થરમારાને પગલે વરઘોડામાં નાસભાગ મચી જવા પામી હતી અને ડી.જેમાં વાગતા ગીતોને બદલે લોકોની ચિચિયારીઓ શરૂ થઇ ગઇ હતી. વધુમાં તો બંને કોમના ઉશ્કેરાયેલા ટોળાઓએ રસ્તામાં પડેલી ઇક્કો કાર, ઓટો રીક્ષા સહિત કુલ ૩ થી વધુ વાહનોને આગચંપી કરી સળગાવી દીધી હતી. જયારે ૧૦ થી વધુ વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. જેથી તાલુકા પોલીસે ફરિયાદના આધારે કુલ ૩૩ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની મોડી રાતથી બપોર સુધીમાં તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે, આજે આ તમામ લોકોની જામીન મુકત કરવામાં આવ્યા હતાં.