વડોદરા, તા.૨૮

વડોદરા નજીક આવેલ હરિધામ સોખડા મંદિરના ગાદીપતિને લઈને સંતોના બે જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફરે એકવાર વિવાદ સામે આવ્યો છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતચરણ સ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી આરંભી દેવામાં આવી હતી. જાે કે, સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન શંકાસ્પદ હોવાનું જણાવી પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરતાં ગુણાતીત સ્વામીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કોરોના ટેસ્ટ બાદ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું, તેમજ વિસેરા લેવામાં આવ્યા હતા. જાે કે, પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેમણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાની વિગતો પ્રકાશમાં આવતાં હરિભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો. જાે કે, આજે ગુણાતીત સ્વામીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ તાલુકા પોલીસે આપઘાતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક આવેલ અને હજારો કરોડોની સંપત્તિ ધરાવતા સોખડા સ્વામીનારાયણ મંદિરના ગાદીના છેલ્લા કેટલાક દિવસથી બે સંતોના જૂથો વચ્ચે વકરી રહેલા વિવાદમાં હરિધામ સોખડા મંદિરમાં છેલ્લાં ૪૦ વર્ષથી રહીને સેવા કરતા પ્રબોધસ્વામી જૂથના સંત ગુણાતીત ચરણ સ્વામીનંુ રહસ્યમય સંજાેગોમાં મોત નીપજતાં ભક્તોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. જાે કે, ગુણાતીત સ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી આરંભવામાં આવી હતી.

જાે કે, ગુણાતીત સ્વામીના નિધન પર પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ શંકા વ્યક્ત કરીને જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીનું અચાનક મૃત્યુ થયું છે, પરંતુ તે સંપૂર્ણ સ્વસ્થ હતા, તેથી અમને તેમના નિધન પર આશંકા છે. કારણ કે, તેમની તાત્કાલિક અંતિમસંસ્કારવિધિ કરવામાં આવી રહી છે. તેથી પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવે, જેથી મૃત્યુનંુ સાચું કારણ સ્પષ્ટ થાય અને હરિભક્તોને જે આશંકા છે તે દૂર થાય.જાે કે, પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોની રજૂઆત બાદ ગુણાતીત સ્વામીના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા ગુણાતીત સ્વામીના મૃતદેહના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને વિસેરા લઈને તપાસ માટે સુરત મોકલવામાં આવ્યા હતા. ડીવાયએસપી વાળાએ જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામીના પરિવારજનો જૂનાગઢના વંથલીથી વડોદરા આવી પહોંચ્યા છે. તેમની હાજરીમાં જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોસ્ટ મોર્ટમ બાદ ગુણાતીત સ્વામીના મૃતદેહને સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો. સાંજે સોખડાના સ્મશાન ખાતે ગુણાતીત સ્વામીના પરિવારજનો, સંતો અને મંદિરના સેવકોની ઉપસ્થિતિમાં પ્રાર્થના બાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ બીજી બાજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટના પ્રાથમિક અહેવાલમાં ગુણાતીત સ્વામીનું મોત ગળાફાંસો ખાવાથી થયું હોવાની વાતને લઈને હરિભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો. જાે કે, પ્રાથમિક તબક્કે ગુણાતીત સ્વામીએ આપઘાત કર્યાની સ્પષ્ટતા થતાં તાલુકા પોલીસે હરિધામ મંદિરમાં તે જ્યાં રહેતા હતા ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. જાે કે, તપાસમાં ચિઠ્‌ી કે કાંઈ મળી આવ્યું ન હતું. પરંતુ કેસરી રંગનું વસ્ત્ર સિલિંગ ફેનની બાજુમાં હૂક હતો તેની સાથે લગાવીને તેનો ગાળિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

હરિભક્તોની જિલ્લા પોલીસવડાને રજૂઆત બાદ અંતિમક્રિયા રોકાવી

હરિધામ સોખડા ખાતે ગુણાતીત સ્વામીના અચાનક થયેલ નિધન બાદ તેમના અંતિમસંસ્કારની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ પ્રબોધસ્વામી જૂથના હરિભક્તો સંજયભાઈ ચૌહાણ અને અન્ય હરિભક્તો વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ આવીને ગુણાતીત સ્વામીનું નિધન શંકા ઉપજાવે છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા અને અચાનક નિધન થયું છે. ત્યારે પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવે. ત્યાર પછી જ અંતિમસંસ્કાર કરવામાં આવે જેથી મૃત્યુ અંગે કોઈ શંકા ન રહે તેવી માગણી કરી હતી. જાે કે, જિલ્લા પોલીસવડાએ સોખડા મંદિર ખાતે પોલીસને મોકલી અંતિમસંસ્કાર અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને ગુણાતીત સ્વામીના મૃતદેહને પેનલ પોસ્ટ મોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

અંતિમ ચિઠ્ઠી છે કે કેમ? તેની પોલીસ દ્વારા તપાસ

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.ટી.લાંબરિયા સ્ટાફ સાથે સોખડા ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્વામી જે રૂમમાં રહેતા હતા ત્યાં તે રૂમમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં તેમણે કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ? તેની પણ તપાસ હાથ ધરી હતી. જાે કે, ચિઠ્ઠી કે કાંઈ મળી આવ્યું ન હોવાનું જાણવા મળે છે.

પરિવારજનો જાણતા હતા છતાં ચુપકીદી કેમ સેવી?

ગુણાતીત સ્વામીના નિધન અંગેની જાણ તેમના પરિવારજનોને કરાતાં તેઓ પણ જૂનાગઢના વંથલીથી વડોદરા આવી પહોંચ્યા હતા. તેઓ પણ સ્વામીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણતા હતા. પરંતુ તેમણે પણ આ અંગે ચુપકીદી સેવી હતી. જાે કે, પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગુણાતીત સ્વામી છેલ્લાં ૪૦ વર્ષથી મંદિરમાં સેવા આપતા હતા અને સ્વામીજીની ઉંમર તેમજ સંસ્થાનું નામ ખરાબ ન થાય એટલે પોલીસને જાણ ન કરી અને અંતિમસંસ્કારની તૈયાર કરી હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

આપઘાત માટે ઉપયોગમાં લીધેલ કેસરી વસ્ત્ર કબજે લેવાયું

ગુણાતીત સ્વામી સોખડા મંદિર ખાતે જે રૂમમાં રહેતા હતા ત્યાં પોલીસ તપાસ કરતાં રૂમમાં પંખાની બાજુમાં હૂક હતો તેની અંદર કેસરી રંગના વસ્ત્રનો ગાળિયો બનાવીને ફાંસો ખાધો હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી હતી. વસ્ત્રથી ગાળિયો બનાવી ગળાફાંસો ખાધો હતો, તે પણ ફાટેલી અવસ્થામાં મળી આવતાં પોલીસે તેને કબજે લીધું હતું.

પોસ્ટ મોર્ટમ બાદ વિસેરા સુરત મોકલાયા

સોખડા હરિધામના સંત ગુણાતીત સ્વામીના અચાનક નિધન બાદ તેમનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પેનલ ડોકટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પ્રાથમિક તબક્કે તેમનું મોત કુદરતી નથી, પરંતુ તેમણે આત્મહત્યા કરી છે. મોત કેટલા વાગે થયું તેમજ બીજા કારણો જાણવા માટે વિસેરા સુરત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે તેમ ડીવાયએસપી એસ.કે.વાળાએ જણાવ્યું હતું.