સૌરાષ્ટ્ર અને વડોદરાના નામો નક્કી :ટૂંક સમયમાં જાહેરાત કરાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   2376

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી બીજાે તબક્કો શરૂ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસથી ચાલી રહેલી બેઠકના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મળેલી બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના નામો પર ચર્ચા કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના નામોને લઈને પણ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા માટે ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો મુજબ, મોટાભાગના પદો માટે સહમતી બની છે અને અંતિમ યાદી ટોચના નેતૃત્વને મોકલાશે. ત્યારબાદ જ આખરી ર્નિણય લેવામાં આવશે. આગામી ૧૯ તારીખે મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત થવાની શક્યતા છે. પ્રદેશ કક્ષાએ નક્કી થયેલા નામો જે તે જિલ્લાની સામાન્ય સભામાં જાહેર કરાશે. આ નામો પ્રદેશના પ્રતિનિધિ દ્વારા બંધ કવરમાં લઈ જવામાં આવશે અને સામાન્ય સભામાં જ ખુલશે.આ પ્રક્રિયામાં ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નામોની જાહેરાત ટૂંક સમયમાં થશે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ૧૫, ૧૬ અને ૧૭ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બોર્ડ દ્વારા નક્કી થયેલા નામો ઉચ્ચ કક્ષાએ મોકલાશે અને ત્યારબાદ જાહેરાત થશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution