વડોદરા - સાવલી, તા. ૧૭

વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવી બંધાતી શાળાના સ્થળે રહેતા શ્રમીક પરિવારની આઠ વર્ષની બાળકીને મધરાતે નિંદ્રાધીન અવસ્થામાં ઉંચકીને પડાવથી દુર લઈ ગયા બાદ તેની પર પાશવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ તેની કરપીણ હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા ૨૫ વર્ષીય પરિણીત યુવકને સાવલીની કોર્ટે દેહાત દંડ સ્વરૂપે ફાંસીની સજા ફટકારી વિવિધ ગુના બદલ ૨.૫૦ લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો. મુળ મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વતની સવિતાબેન (નામ બદલ્યુ છે) ગત મે-૨૦૧૯માં પતિ અને પાંચ સંતાનો સાથેના પરિવાર સાથે વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામમાં નવી બંધાતી એકલવ્ય સ્કુલના મજુરીકામ માટે આવી વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરના નવા બંધાતા ખુલ્લા મકાનમાં શ્રમિકો સાથે રહેતા હતા. ગત ૧૭-૫-૧૯ના રોજ સવિતાબેનના પતિ તેમના વતનમાં ગયા હતા જેથી તે દિવસભર એકલા મજુરી કામ કરીને રાત્રે તેમના સંતાનો સાથે સુઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે દસ વાગે તેમના પડાવથી થોડે દુર મજુરો વચ્ચે ઝઘડો થતા તેના કોલાહાલથી સવિતાબેન અને બિલ્ડીંગમાં અલગ અલગ જગ્યાએ સુઈ રહેલા મજુરો જાગી ગયા હતા. આ દરમિયાન ત્યાં રહેતો ૨૫ વર્ષીય પરિણીત સંજય છત્રસિંહ બારિયા (કાલીકુઈગામ, તા.જેતપુર-પાવી , છોટાઉદેપુર)એ સવિતાબેન અને તેમની નજીકમાં સુઈ રહેલી મહિલાઓને ‘ભાભી.. તમારા વાળા ઝઘડ્યા છે’ તેમ જણાવ્યું હતું. તેની વાત સાંભળીને સવિતાબેન ઝઘડો જાેવા જતા જ સંજય વસાવાએ સવિતાબેનની આઠ વર્ષની પુત્રીનું નિંદ્રાધીન અવસ્થામાં અપહરણ કર્યું હતું અને તેને પડાવથી દુર ગામની સીમમાં પડતર ખેતરમાં લઈ ગયો હતો જયાં તેણે માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું અને પોતાની કરતુતોની બાળકી કોઈને જાણ ના કરે તે માટે તેણે બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને લાશને ત્યાં જ ફેંકી દીધી હતી.

 આ બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સંજય વસાવાની ધરપકડ કરી તેને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગો કર્યો હતો. આ કેસ સાવલીની સ્પેશ્યલ જજ પોક્સો અને એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી.પટેલની દલીલો તેમજ પોલીસના પુરાવા અને સાહેદોના નિવેદનોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી સંજય વસાવાને હત્યા, બળાત્કાર અને અપહરણના ગુનામાં દોષિત ઠેરવી તેને મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજાની ફટકારી હતી તેમજ વિવિધ ગુના બદલ ૨.૫૦ લાખનો દંડ ફટકારી જાે દંડ ના ભરે તો વધુ સમય કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.

બાળકીના ‘લોહીનાં આંસુ’ સમાજ અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન

ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે નરાધમ સંજયે નિર્દોષ બાળકી સાથે મોંઢુ દબાવી રાખી બળાત્કાર અને ઉગ્ર જાતિય હુમલા બાદ એટલી ઉગ્રતાથી હત્યા કરી હતી કે તેના નાકમાંથી ફીણ નીકળી ગયું હતુ. બાળકીની આંખો બંધ કરી અને પોપચામાં બંને બાજુમાં આંખમાં રક્તસ્ત્રાવ થયેલો એટલે કે બાળકીની આંખોમાંથી લોહી નીકળ્યું હતું. નિર્દોષ બાળકી લોહીના આંસુએ રડેલ છે અને આંખોમાંથી જે લોહીના આસુ નીકળ્યા છે તે માત્ર લોહી નથી પરંતુ આપણી સમાજ વ્યવસ્થા અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન છે જેથી આ ચુકાદાને લોહીના આંસુ તરીકે ઓળખવામાં આવે તે જરૂરી છે.

બાળકીના માતા-પિતાને ૧૭ લાખ વળતર ચૂકવવાનો આદેશ

આ બનાવમાં બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યાની ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં કેસની કાર્યવાહી શરૂ થતાં બાળકીના માતા-પિતાને પ્રથમ ૮ લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. દરમિયાન આ કેસના આજે આવેલા ચુકાદામાં કોર્ટે બાળકીના માતા-પિતાને મહત્તમ વળતરની ઠરાવેલા મર્યાદા હેઠળ કુલ ૧૭ લાખનું વળતર ચુકવવાનો અને વચગાળાના વળતર પેટે કોઈ રકમ ચુકવી હોય તો તે મુળ વળતરની રકમમાંથી બાદ કરવાનો તંત્રને આદેશ કર્યો હતો.

બાળકીને શોધવાનો ડોળ કરતાં સંજયને જાેતાં જ ડોગ સ્કવોર્ડના ડોગે ભસવાનું શરૂ કર્યુ

સવારની પહોરમાં સંજય તૈયાર થઈને પડાવના સ્થળે ભેગા થયેલા શ્રમિકો અને બાળકીના પરિવારજનો સાથે બાળકીને શોધવા માટે જાેડાયો હતો. જાેકે આ દરમિયાન પોલીસના ડોગ સ્કવોર્ડની મદદ લઈ તપાસ શરૂ કરી હતી જેમાં હત્યાના સ્થળેથી આરોપીના પંજાના નિશાનની ગંધ સુઘીને ડોગ સ્કવોર્ડના ડોગ પડાવના સ્થળે આવ્યા હતા અને સંજયને જાેતા જ તેની સામે ભસવાનું શરૂ કરતા પોલીસે સંજયને ઝડપી પાડ્યો હતો.

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા...

આ કેસના ચુકાદામાં દિલ્હીના ચકચારભર્યા નિર્ભયા કેસમાં સર્વોચ્ચે અદાલતે જે સિંધ્ધાતો પ્રસ્થાપિત કર્યા તે ધ્યાને લેવાયા હતા. ચુકાદામાં કોર્ટે મનુસ્મૃતિ અધ્યાય-૩ના શ્લોક ‘ યત્ર નાર્યસ્તુ પુજયન્તે, રમન્તે તત્ર દેવતા..ને ટાંકીને નોંધ્યું હતું કે આપણા દેશમાં સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચ કક્ષાએ છે અને જ્યાં સ્ત્રીઓનું આદર સન્માન હોય તે સમાજ અને સ્થાન પર દેવતાગણ પ્રસન્ન રહે છે. જ્યાં આવું હોતું નથી ત્યાં દેવકૃપા રહેતી નથી અને તમામ કાર્યો નિષ્ફળ જાય છે. આ હકીકત એટલા માટે પ્રસ્તુત છે કે હાલનો ગુનો સ્ત્રી વિરુધ્ધનો તેમા પણ નાની બાળકી વિરુધ્ધનો છે.

પાંચ માસમાં સાવલી કોર્ટ દ્વારા બીજી ફાંસીની સજા કરાઈ

મુળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્થિત ચાટકાબેલી ગામનો વતની અને ડેસર તાલુકાના છાલિયેર ગામમાં રહેતા ૨૦ વર્ષીય ધીરેન્દ્રસિંહ ઉર્ફ પપ્પુ ખુમાનસિંહ ઠાકોરે છાલિયેર ગામમાં રહેતા અને ધો. ૨માં અભ્યાસ કરતા તેના દુરના સંબંધીના ૮ વર્ષીય પુત્ર વિરૂ (નામ બદલ્યુ છે)નું ખંડણી માટે ગત ૨૧-૧૦-૨૦૧૬ના સાંજે ઘર પાસે રમતી વખતે અપહરણ કર્યું હતું. તેણે વીરુને પરિવારજનો પાસે ફોન પર પહેલા દસ લાખ અને પછી પાંચ લાખની ખંડણીની માગણી કરી હતી. જાેકે ડેસર પોલીસે અપહ્યુત વિરૂની શોધખોળ શરૂ કરી હોવાની જાણ થતાં જ પકડાઈ જવાની બીકે ધીરેન્દ્રસિંહે માસુમ વિરુનું ગળુ દબાવી હત્યા કરી હતી અને તેની લાશને એક ખોખામાં મુકી ખોખુ મકાનના માળિયામાં છુપાવ્યું હતું. આ બનાવમાં પણ ધીરેન્દ્રસિંહને ગત ૨૮મી જુને સાવલી કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.