નાસિક: ચલણી નોટ પ્રેસ 4 દિવસ માટે બંધ, 40 કર્મચારીઓ કોરોના સંક્રમિત
31, ઓગ્સ્ટ 2020

નાસિક-

કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાસિક સ્થિત કરન્સી પ્રેસ ૪ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાસિકમાં કરન્સી નોટ પ્રેસ અને ઈન્ડિયા સિકયુરિટી પ્રેસ ચાર દિવસ સુધી યુનિટ્સની કામગીરી સ્થગિત કરશે. કારણ કે છેલ્લા એક સપ્તાહમાં બંને પ્રેસમાં કામ કરતા ૪૦ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CNP એક દિવસમાં ૧૭ મિલિયન ચલણી નોટો છાપે છે. જયારે ISP રેવેન્યુ સ્ટેમ્પ, સ્ટેમ્પ પેપર્સ, પાસપોર્ટ અને વિઝા છાપે છે. CNPમાં ૨૩૦૦ જયારે ISPમાં ૧૭૦૦ કર્મચારીઓ છે.

ચાર દિવસના શટડાઉન દરમિયાન કરન્સી નોટોના ૬૮ મિલિયન ઉત્પાદનના નુકસાનને રવિવારે કામ કરીને પૂર્ણ કરવામાં આવશે. CNP-ISPના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં બંને એકમોના લગભગ ૧૨૫ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૪ દિવસ બાદ બંને પ્રેસમાં ફરીથી કામગીરી શરૂ થયા બાદ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ કર્મચારીઓ પર એન્ટિજન ટેસ્ટ કરશે. 

કરન્સી નોટ પ્રેસ અને ઇન્ડિયા સિકયુરિટી પ્રેસ બંને સિકયુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યુનિટ્સ છે, જે સિક્કા ઉપરાંત સરકારી કરન્સી અને અન્ય સુરક્ષા દસ્તાવેજો પણ છાપે છે. કંપનીના દેશભરમાં કુલ નવ યુનિટ્સ છે. જોકે, આજથી ચાર દિવસ પછી બંને યુનિટ્સમાં કામગીરી ફરીથી શરૂ થયા બાદ તમામ કર્મચારીઓનો એન્ટિજન ટેસ્ટ હાથ ધરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution