લોકસત્તા જનસત્તા વિશેષ,તા.૪

આદિવાસીઓના હક્ક અધિકારને અબાધિત કરતા ૭૩ છછ ના કાયદાનું મનઘડંત અર્થઘટન કરી રાજ્યના ટોચના મોટાભાગના સ્થાપિત રાજકારણીઓ, તેમના મળતિયા બિલ્ડરો-વ્યાપાર-ઉદ્યોગો, રાજ્યના સેંકડો ભ્રષ્ટ સનદી અધિકારીઓ તથા એવા જ ભ્રષ્ટ સેેંકડો આઈપીએસ અધિકારીઓએ ૯૯ વર્ષના ભાડાપટ્ટા જેવી છટકબારીઓ શોધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસની આદિવાસીઓની હજારો એકર જમીન હસ્તગત કરી લીધી છે અને હવે ત્યાં જંગી આવક રળવાની ટંકશાળો ઉભી કરી દીધી છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપરોક્ત માહિતી આપતા ઉમેર્યું હતું કે, હાલ તો હું અહી વિકસેલા તમામ ઉદ્યોગ-ધંધાઓની જમીનોના સર્વે નંબરના આધારે મુળ આદિવાસી જમીન માલિકોને એકત્રિત કરી રહ્યો છું તથા તેમને થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા સક્રિય થયો છું. જરૂર પડ્યે હું માહિતી અધિકાર હેઠળ સેંકડો અરજીઓ કરી ઝીણામાં ઝીણી વિગતો રાજ્ય સરકાર અને તેના સંબંધિત વિભાગો પાસે માંગનાર છું અને આ માટે કાયદાના જાણકારોની એક ટુકડી અમને અમારી આ લડતમાં મદદ અને માર્ગદર્શન આપી રહી છે. એવો સુર ચૈતર વસાવાએ વહેતો મુક્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની યોજના કાગળ પર હતી ત્યારથી જ આ સંભવિત પ્રવાસન સ્થળ પર ડોળો રાખીને બેઠેલા ગુજરાતના મોટાભાગના તમામ સ્થાપિત રાજકારણીઓ, તેમના મળતિયા બિલ્ડરો અને આઈએએસ -આઈપીએસ અધિકારીઓએ પોતાની બે નંબરની કરોડોની આવક અહીં જમીનો હસ્તગત કરવામાં લગાવી દીધી છે. તથા અભણ અને ભોળા આદિવાસીઓને નજીવી રકમ પકડાવી ૯૯ વર્ષના ભાડા પટ્ટે જમીનો લખાવી લઈ આ આદિવાસીઓને રસ્તે ભીખ માંગતા કરી દીધા છે એવો આક્રોશપૂર્ણ સુર ચૈતર વસાવાએ રજુ કર્યો હતો તથા આ તમામને જાહેરમાં ખુલ્લા પાડી તેમના કરતુતોને ઉજાગર કરવા પોતે મક્કમ અને સક્રિય હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયેલા આવા જમીન કૌભાંડો પ્રજા સમક્ષ આવશે ત્યારે આ સ્થાપિતોના અસલી ચહેરા ઉઘાડા પડી જશે એવો મત ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો.