વડોદરા, તા.૨૫

પાંચ વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત કર્યા બાદ આખરે આજે લોકાર્પણ થયેલા શહેરના સૌથી લાંબા ૩.પ કિ.મી.ના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજ પર ઉદ્‌ઘાટનના ગણતરીના કલાકોમાં જ બ્રિજ પર નગરજનોની ભારે ભીડ ઉમટી પડી હતી. નવો બ્રિજ જાેવાની સાથે અનેક યુવાનો બ્રિજ પર ઠેર-ઠેર સેલ્ફી લેતાં જાેવા મળ્યા હતા. આમ, આજે આ બ્રિજ નગરજનો માટે પ્રવાસનું સ્થળ સાથે સેલ્ફી પોઈન્ટ પણ બન્યો હતો. આ બ્રિજ પર આજે મોડી રાત સુધી ભીડ જાેવા મળી હતી. વડોદરા શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજના લોકાર્પણના ગણતરીના કલાકોમાં નવા બ્રિજને જાેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બ્રિજને હાલ આકર્ષક રોશનીથી તેમજ બ્રિજના તમામ એન્ટ્રી-એક્ઝિટ પર આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. ત્યારે સાંજ થતાં તો બ્રિજ પર લોકોની વાહનો લઈને ભારે ભીડ ઉમટતાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આજે રવિવારની રજા તેમાંય ક્રિસમસ એટલે લોકોની ભીડ સાથે અનેક લોકો બ્રિજ પર સેલ્ફી લેતાં પણ જાેવા મળ્યા હતા. આમ લોકાર્પણના પ્રથમ દિવસે જ વડોદરાના હજારો નગરજનો નવા બ્રિજ પર લટાર મારવા નીકળતાં અકોટા-દાંડિયા બજારની જેમ આ બ્રિજ પર પ્રવાસન સ્થળની સાથે સેલ્ફી પોઈન્ટ બન્યો હતો અને પોલીસે યોગ્ય ધ્યાન નહીં રાખતાં બ્રિજની ઉપર તેમજ નીચે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.