દિલ્હી-

ધોરણ 12 સાયન્સ પછી મેડિકલના કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપવાની હોય છે. ચાલુ વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ યોજનારી આ પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે આ અરજી રદ્દ કરી દેતા હવે NEETની પરીક્ષા યથાવત રીતે 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 12 જુલાઈના રોજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને NEETની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ યોજાવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ વખતે પરીક્ષા યોજાશે. ગાઈડલાઈનના પાલનને સુનિશ્ચિત કરવા માટે પરીક્ષાર્થીઓને સેન્ટર પર પણ માસ્ક આપવામાં આવશે. આ સહિત તમામ બાબતો ઝીણવટભરી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં NEET માટેનું એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત, NEET 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ વખતે પરીક્ષા હિન્દી, પંજાબી, આસામી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, ઉર્દૂ અને અંગ્રેજીમાં લેવામાં આવશે.