દિલ્હી-

ટ્વિટર, ફેસબૂક, વ્હોટ્સેપ કે ગૂગલ જેવા સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ્સના માલિકોએ હવે નવા સુધારેલા આઈટી કાનૂન અંતર્ગત યુઝર્સના અકાઉન્ટસ અને તેમની વિગતો બાબતે તો સજાગ રહેવાનું જ છે, ઉપરાંત ભારતમાં હવે એવો કાનૂન પણ બનાવાઈ રહ્યો છે કે, કોઈપણ ગેરકાયદે કે અયોગ્ય પ્રકારની પોસ્ટ આ પ્લેટફોર્મધારકોએ અગાઉની મહેતલ 72 કલાકને બદલે તેનાથી અડધા સમયમાં જ એટલે કે, માત્ર 36 કલાકમાં જ તેને હટાવી દેવાની રહેશે.

નવો કાનૂન એવો બનાવાઈ રહ્યો છે કે, જે સોશ્યલ મિડિયા જૂથ 50 લાખથી વધારે યુઝર્સ બેઝ ધરાવતું હશે તેણે ભારતમાં પોતાની એક ઓફિસ રાખવી પડશે જ્યાં એક અધિકારી હશે જેની જવાબદારી સરકારી અમલીકરણ શાખા સાથે સંકલન કરવાનું રહેશે. 2011માં બનાવાયેલા આઈટી ધારાની કલમ 79 હેઠળ સરકાર એવી કાનૂની જોગવાઈ કરવા જઈ રહી છે કે, સરકારી એજન્સીઓ દ્વારા કોઈ અકાઉન્ટ કે પોસ્ટ રદ કરવાનું કહેવામાં આવે તો તેનો ઝડપથી નિકાલ લાવી શકાય. 

સરકાર એવા પ્રકારના ફેરફારો કરવા જઈ રહી છે, જેથી આ કંપનીઓ પાસેથી ગેરકાયદે કે જાહેરજીવનમાં અસત્ય, ડર કે અફવા ફેલાવી શકે એવા લોકોની વિગતો કંપની તરત જ આપી શકે. એટલું જ નહીં પણ આ કંપનીઓએ એવા પ્રકારના ઓટોમેટેડ ટૂલ્સ રાખવા પડશે જેનાથી આ પ્રકારની પોસ્ટ હોય તો તેને મૂકી જ ન શકાય.