લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
સુરત |
2277
વેડરોડના યુવકને ફિમેલ સર્વિસ પુરી પાડવાના નામે હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ રૂપિયા માંગનાર ટોળકીના સૂત્રધાર પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પીએસાઇ તરીકેનો ફેક આઇકાર્ડ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર વેડરોડ ઉપર હરેકૃષ્ણ સોસાયટીમાં રહરેતો ૩૬ વર્ષીય આશિષ અરવિંદભાઇ ગાંગણીએ પેઇડ સેક્સ માટે પાર્ટનર શોધવા સુલેખાકોમ નામની વેબસાઇટ પર સર્ચ કર્યું હતું. જયાંથી સંપર્કમાં આવેલા રમેશ પાલે મોકલેલા લોકેશનના આધારે આશિષ ૨૮મી તારીખે સાંજે પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાછળ સુર્યમંજરી એપાર્ટમેન્ટના ૨૦૩ નંબરના ફ્લેટમાં પહોંચ્યો હતો. અહીં તેણે રાજવી નામની મહિલાને ૧૦૦૦ રૂપિયા ચૂકવ્યા એટલે તેને એક યુવતી સાથે રૂમમાં મોકલાયો હતો.
પ્રિન્સી નામ જણાવનાર યુવતી સાથે શરીર સુખ માણવા આશિષ રૂમમાં ગયો ત્યાં જ ત્રણ વ્યક્તિ અંદર ધસી આવી હતી. જેમાં એક જણાએ તેની ઓળખ પીએસઆઇ તરીકે આપી અને ગાંગાણીનો કોલર પકડી લાફા ઝીંકી દીધા હતાં. આ ત્રણ જણાએ આશિષને બળાત્કારનો કેસ કરી જેલમાં ધકેલી દેવા તથા મીડિયા બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં આ ટોળકીએ આશિષ પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
બદમાશ ટોળકી આશિષ પાસે પૈસા કઢાવવા ધાકધમકી આપી રહી હતી ત્યારે જ માહિતી મળતાં ઉમરા પોલીસ ત્યાં ત્રાટકી હતી. આ કાંડમાં નકલી પીએસાઇ બનેલા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા (રહે, ડાયાપાર્ક સોસાયટી, માતાવાડી વરાછા), રાઈટર તરીકે ઓળખ આપનાર પિયુષ હસમુખભાઇ ગોસ્વામી (રહે, રોયલ પાર્ક સોસાયટી, યોગીચોક, પૂણાગામ) તથા કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપનાર ખેતારામ હડમતારામ પરમાર (રહે, સ્તુતિ આઇકોન, પાલનપોર) અસલી પોલીસને જાેતા જ રેબઝેબ થઇ ગયા હતાં. આ ત્રણ ઉપરાંત પોલીસે રાજવી હિરેનભાઇ દેવગાણીયા (રહે, સર્જન પેલેસ, ભરીમાતા રોડ, ચોક બજાર) તેમજ શરીર સુખ માટે રૂમમાં લઇ જનાર પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી આદિત્ય પ્રતાપસિંગ રાજપૂત (રહે, ઘર ૬૭ બાવનગાળા સારોલી સુરત)ની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન આકાશ વાઘેલા પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પીએસઆઇ તરીકેનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ કાર્ડમાં આશિષનો ફોટો અને નામ યુવરાજસિંહ જાડેજા લખવામાં આવ્યું હતું. કાર્ડની ઇશ્યુ ડેટ ૧૪ માર્ચ,૨૦૧૮ અને જન્મ તારીખ ૧૦ જાન્યુઆરી,૧૯૯૨ લખેલી છે. હનીટ્રેપમાં ફસાવાયેલા યુવકોને આ કાર્ડ બતાવી કેસની ધમકી અપાતી હતી. હનીટ્રેપમાં ફસાયેલા ચારેય સામે અગાઉ જુદા જુદા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પિયુષ ગૌસ્વામી તો અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં વોન્ટેડ નીકળ્યો હતો. આશિષ વાઘેલાએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી ડુપ્લીકેટ આઈકાર્ડ ક્યાંથી તથા કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ આ ડુપ્લીકેટ કાર્ડનો તેને ક્યાં ક્યાં ઉપયોગ કર્યો તેની તપાસ માટે પોલીસે એક દિવસનાં રિમાન્ડ મેળવ્યો છે.