નાઈજિરિયન ગેંગ દ્વારા કરવામાં આવતા સાયબર ફ્રોડનો ભોગ શહેરના વ્યાપારી બન્યો હતો. કૅન્સરની દવાના રો-મટિરિયલ મોટી કિંમતે ખરીદવાના બહાને ઓનલાઈન ૭.પ૦ લાખ બેન્કમાંથી ટ્રાન્સફર કરાવ્યા બાદ નાઈજિરિયન ગેંગના સભ્યએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. જેના આધારે પોલીસે બે અન્ય અને ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી અદાલતમાંથી રિમાન્ડ મેળવ્યા છે.પોલીસની તપાસમાં અલગ અલગ બોગસ કંપનીઓ ઓનલાઈન બનાવી જુદા જુદા ઈ-મેલ આઈડી દ્વારા કૅન્સરની દવા બનાવવામાટેના રો-મટિરિયલ ખરીદ-વેચાણ અને વધારે નફો આપવાની લાલચ આપી આ ગેંગ છેતરપિંડી કરતી હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન આર્થિક વ્યવહારો કરીને લોકોને શિશામાં ઉતારતા હતા.

ગત તા.રપ-૧૦ના રોજ આરોપી ડીનીયલ કોહન દ્વારા વેપારીને ઈ-મેલ કરવામાં આવ્યો હતો અને કૅન્સરની દવામાં વપરાતો કિંમતી કેમિકલની જરૂર હોવાનું જણાવી આરોપીઓ પાસેથી પ લિટર સેમ્પલ માટે રો-મટિરિયલ મંગાવાયું હતું અને જુદા જુદા સમયે અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ ૭.પ૦ લાખ મંગાવ્યા હતા. એ દરમિયાન દિલ્હીની હોટેલમાં પણ મુલાકાત ગોઠવી વેપારીને વિશ્વાસ અપાયો હતો. બાદમાં સેમ્પલના રૂપિયા નહીં મોકલતાં વેપારીએ તપાસ કરતાં કંપની બોગસ તેમજ સરનામું ખોટું નીકળતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ૭.પ૦ લાખની છેતરપિંડી કરનાર પાર્થદાની ધારિયા (રહે. જામનગર) એકાઉન્ટનો ઉપયોગ કરનાર મોહિત ઉર્ફે વિવેક પરમાર અને જતીન પાલા અને ગેંગનો સૂત્રધાર નાઈજિરિયન એડીડીયો ઈનકા (હાલ રહે. મુંબઈ)ને ટ્રાન્સફર વોરંટના આધારે લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.