વડોદરા, તા.૪

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ખેડા સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર નિતીન કોટવાણી અને તેના સાગરીત ભાવેશ સેવકાણી વડોદરાના વતની હોવાની વિગતો મળતાં શહેર પોલીસની પીસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ઘનિષ્ટ પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન મુખ્ય સૂત્રધાર નિતીન કોટવાણી હાઈવે પરથી વડોદરામાં ઘૂસી રહ્યો હતો ત્યારે પીસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો, જ્યારે ભાવેશ સેવકાણી ફ્લાઇટમાં દિલ્હીથી વડોદરા આવતાં જ તેને પણ હરણી એરપોર્ટની બહાર પોલીસે ઝડપી પાડી બંને આરોપીઓને ખેડા પોલીસના હવાલે કર્યા હતા.

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાલમેઘાસવ આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક સીરપ પીવાના કારણે છ વ્યકિતઓના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ચકચાર જાગી હતી. આ સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર ૩૬ વર્ષીય નિતીન અજીત કોટવાણી (શિવશક્તિ ફ્લેટ, ગોરવા તળાવ પાસે) તેમજ ૨૬ વર્ષીય ભાવેશ જેઠાનંદ સેવકાણી (આસ્થા એવન્યુ, દશામાતા મંદિર પાસે, ગોરવા) હોવાનું સપાટી પર આવતા જ વડોદરા પોલીસ એકશનમાં આવી હતી. શહેર પોલીસ કમિ. અનુપમસિંહ ગેહલૈાતની સૂચના મુજબ પીસીબી, ડીસીબી અને એસઓજીની વિવિધ ટીમોએ ઉક્ત બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી.

આ કૈાભાંડનો મુખ્ય સૂત્રધાર નિતીન મહારાષ્ટ્રમાં હોવાની વિગતો મળતાં પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તેનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન નિતીન આજે તેના વકીલ અને પરિવારને મળવા માટે બાય રોડ વડોદર આવવા નીકળ્યો છે તેવી પીસીબીના પીઆઈ એસ.ડી.રાતડાને માહિતી મળતાં નિતીનને ચહેરાથી ઓળખતા પોલીસ જવાનોની અલગ અલગ ટીમો હાઈવે પર ગોઠવાઈ હતી અને મકરપુરા-તરસાલી હાઈવે પર જાંબુવા પાસેથી શહેરમાં સ્કોર્પિયો કાર લઈને પસાર થઈ રહેલા નિતીનને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત નિતીન વડોદરા પહોંચવાનો હોઈ તેનો સાગરીત ભાવેશ સેવકાણી પણ આજે સવારે ફલાઈટ મારફત વડોદરા આવવાનો છે તેવી વિગતો મળતાં પીસીબીની ટીમે હરણી એરપોર્ટ પર પહોંચી હતી અને દિલ્હીથી આવેલી ફ્લાઈટમાં ભાવેશ અત્રે આવતા જ તેને એરપોર્ટની બહાર નીકળતાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ખેડા પોલીસના હવાલે કરવામાં આવતા ખેડા પોલીસ તેઓને લઈને રવાના થઈ હતી.