દિલ્હી-

બિહારના કદ્દાવર નેતા ગણાતા અને છ છ વખત રાજ્યના મુખ્ય પ્રધાન બનેલા જદયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર છેલ્લાં પંદર સોળ વર્ષથી એક પણ ચૂંટણી લડ્યા નથી.

1985માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા એ પહેલાં બે વાર ચૂંટણીમાં પરાજિત થયા હતા. પહેલીવાર ધારાસભ્ય બન્યા પછી એમની પ્રગતિ અદેખાઇ આવે એટલી ઝડપે આગળ વધી હતી. 1989માં એમને જનતા દળના મહામંત્રી બનાવાયા. એ વરસે લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર બાઢ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા થયા. એ પછી તો 1991, 1996, 1998 અને 1999ની લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં નીતિશ રેલવે પ્રધાન પણ રહ્યા. એ પછી કેન્દ્રને બદલે રાજ્ય તરફ સક્રિય થયા.

1970ના દાયકામાં સમાજવાદી નેતાઓ લોકનાયક જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા વગેરેની સાથે નીતિશ કુમાર યુવાન કાર્યકર તરીકે હતા. પહેલાં કેન્દ્રમાં અને પછી રાજ્યમાં એ સક્રિય થયા. 2005માં રાબડી દેવીનું શાસન ગબડ્યું ત્યારે નીતિશ કુમાર પહેલીવાર મુખ્ય પ્રધાન બન્યા. ત્યારથી આજ સુધી એ સતત મુખ્ય પ્રધાન બનતા રહ્યા છે પરંતુ 2005 પછી એક પણ ચૂંટણી લડ્યા નથી. જદયુ પક્ષ એમની આગેવાની હેઠળ ચૂંટણી લડે અને વિજેતા બને તો નીતિશ કુમાર જ મુખ્ય પ્રધાન બને છે. જાે કે આ વખતે ચિત્ર થોડું અલગ છે. દલિત નેતા જીતન રામ માંઝી એનડીએમાં જાેડાયા અને ચિરાગ પાસવાને અલગ રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી એટલે મતો વહેંચાઇ જવાની પૂરી શક્યતા છે.

દરમિયાન, હવે એવો ગણગણાટ થવા લાગ્યો હતો કે નીતિશ કુમારે પણ વિધાનસભાની ચૂંટણી લડવી જાેઇએ અને જીત્યા બાદ મુખ્ય પ્રધાન થવાની તૈયારી રાખવી જાેઇએ.