આણંદ, તા.૨૮ 

આંકલાવમાં તાજેતરમાં પ્રમુખ આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી લખેલી કારમાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આજે આ પ્રકરણમાં તાલુકાનાં માનપુરાના પૂર્વ સસ્પેન્ડેડ સરપંચ અને ભાજપના આંકલાવ તાલુકના બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે ઓળખાતાં ભાજપના કાર્યકર ઠાકોરભાઈ ઊર્ફે ટીન ટીન પઢીયાર આંકલાવ પોલીસ મથકે હાજર થતાં પોલીસે કોરોના ટેસ્ટ કરાવી ધકડપક કરી હતી. એવું કહેવાય છે કે, ટીમટીને બચવા માટે પાર્ટીના ઘણાં હોદ્દેદારો સામે ટહેલ નાખી હતી, પણ કોઈએ ટીનટીનનો હાથ પકડ્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ તથા આંકલાવ પોલીસની ટીમે બાતમીના આધારે આંકલાવના માનપુરાના પૂર્વ સસ્પેન્ડેડ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ઓળખાતા ઠાકોરભાઈ ઊર્ફે ટીનટીન કેસરીસિંહ પઢીયાર ફતેપુરા પોતાના ખેતરમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે, તેની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ દરોડામાં ખેતરમાં મકાનની બાજુમાં એક કારમાં મૂકેલો તેમજ ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઘાસના ધૂંગમાં સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર સાથે કુલ ૨,૩૮,૭૦૦નો મુદ્દામાલ કબજેે કર્યો હતો. પોલીસની આ રેડ વખતે આરોપી ત્યાં મળી ન આવતાં પોલીસે આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન દારૂ પ્રકરણનો મુખ્ય આરોપી ઠાકોરભાઈ ઊર્ફે ટીનટીન કેસરીસિંહ પઢીયાર પોલીસ મથકમાં હાજર થતાં આંકલાવ પોલીસે કોરોના ટેસ્ટ કરાવી ધડપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માનપુરા ડેરીમાં ડુપ્લિકેટ દૂધના મામલે ટીનટીન કેસરીસિંહ પઢિયારનું નામ ખૂલ્યું હતું!

ઠાકોરભાઇ ઊર્ફે ટીનટીન કેસરીસિંહ પઢિયાર પોતાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલનો ડાબો હાથ છું, તેવી શેખી અવાર નવાર મારી રહ્યો હતો. તેની ગાડી પર ભારતીય જનતા પાર્ટી આંકલાવ તાલુકાના બક્ષી મોરચા પ્રમુખનું લખાણ લખાવીને છેલ્લાં ઘણાં સમયથી ફરી રહ્યો હતો. એક વર્ષ અગાઉ માનપુરા ગામની દૂધ મંડળીમાં ડુપ્લિકેટ દૂધ ભરતો હોવાનું તેનું નામ ખુલવા પામ્યું હતું. જાેકે, ભાજપ કોંગ્રેસના સહિયારા પ્રયાસથી આ મામલાને અઠવાડિયામાં જ થાળે પાડી દેવામાં આવ્યો હતો, જ્યારે કેટલાંક સમયથી આ વિસ્તારમાં ટીનટીન ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ગેરકાયદેસર કામો કરતાં હોવાનો ગણગણાટ શરૂ થયો હતો.

આંકલાવના પીએસઆઇની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો

આંકલાવના પીએસઆઇ પી.એ. જાદવની કામગીરીથી સ્થાનિક બૂટલેગરો અને ગુનેગારોમાં ફફડાટ જાેવાં મળી રહ્યો છે. આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામમાં થયેલાં મર્ડરના કેસના આરોપીને માત્ર કલાકોની ગણતરીમાં જ ઝડપી પાડ્યો હતો. એક અઠવાડિયાથી નાસતો ફરતો હતો. સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચાનો પ્રમુખ લખાણ લખાવીને ફરતાં માનપુરાના ઠાકોરભાઇ ઊર્ફે ટીનટીન પઢિયારનો દારૂ એક અઠવાડિયા અગાઉ માનપુરાથી ઝડપાયો હતો, જ્યારે ટીનટીન ત્યાંથી ફરાર થઈ જવા સફળ થયો હતો. રાજકીય ઓથા હેઠળ પોતાની જાતને બચવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો. જાેકે, પીએસઆઇ પી.એ.જાદવે માત્ર આ આરોપીને અઠવાડિયાની અંદર જ ઝડપી પાડ્યો છે. આંકલાવ વિસ્તારમાં બૂટલેગરો અને ગેરકાયદ ધંધો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.