લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
2178
ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સી. આર. પાટીલ રોડ ઉપર રઘુકુળ નગરમાં રહેતાં અજય બૈજનાથ દુબે ઉત્તરપ્રદેશનાં જાેનપુરનાં વતની છે. પ્રિન્ટિંગ મીલમાં કામ કરતા અજય દુબેનો ૨૦ વર્ષનો દિકરો રાજ ટીવીએસ કંપનીમાં લોન રિકવરીનું કામ કરતો હતો. ૧૦મી જુલાઇએ રાત્રે નવેક વાગ્યે અજય દુબે કામ પતાવી ઘરે પહોંચ્યા ત્યારે પત્નીને રાજ અંગે પૂછ્યું હતું. તેણીએ સાંજે છ વાગ્યે મોટર સાયકલ લઈને આવું છું એમ કહી ગયો છે એમ કહયું હતું.
ઘણો સમય વિતી ગયો હોય અજય દુબેએ રાજને કોલ કર્યો હતો. અવાર નવાર કોલ કરાયા ત્યારે રાત્રે સવા અગિયારની આસપાસ તેની સાથે વાત થઇ હતી. રાજે થોડીવારમાં ઘરે આવું છું એમ કહી ફોન કટ કરી દીધો હતો. જાે કે, અડધો પોણો કલાક વિતવા છતાં રાજ નહીં આવતાં પિતાએ ફરી કોલ કર્યા તો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ સવારે તેમને એવું જાણવા મળ્યું કે, ડિંડોલી રાજમહલ મોલમાં પહેલા માળે કોઇએ રાજને ચપ્પુનાં ઘા મારી દીધા છે.
આ સાંભળી અજય દુબે રાજમહલ મોલ દોડી ગયા હતા. જ્યાં પહેલા માળે લિફ્ટ પાસે રાજ લોહી લુહાણ હાલતમાં પડેલો મળ્યો હતો. તેના ગળા, પેટના ડાબા પડખામાં કોઈ તિક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલા દેખાયા હતાં. સ્થળ પર પહોંચેલા ઇન્સ્પેકટર પી. એલ. વાઘેલા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી રાજ દુબેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ અજય દુબેની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી મોલના સીસી કેમેરા ફૂટેજના આધારે તપાસ આરંભી હતી. આ દિશાની તપાસમાં ત્રણ થી ચાર શકમંદો મળ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.