વડોદરા, તા.૨૮

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી ડોર ટુુ ડોર કચરા કલેકશનની કામગીરીમાં મિસિંગ પોઈન્ટની પેનલ્ટી કાપવાની જગ્યાએ દૈનિક જનરેટ થતા મેન્યુઅલ રિપોર્ટમાં કોઈ મિસિંગ પોઈન્ટ નથી તેમ દર્શાવી પૂરેપૂરું બિલ ચૂકવવામાં આવતું હોવાની ગેરરીતિની રજૂઆત બાદ પૂર્વ્‌ અને પશ્ચિમ ઝોનના કોન્ટ્રાકટરને સાત દિવસમાં ખુલાસો કરવાની નોટિસ આપી હતી, નહીં તો પૂર્વ ઝોનના કોન્ટ્રાકટરને રૂા.૪૦.૪૦ લાખ અને પશ્ચિમ ઝોનમાં કોન્ટ્રાકટરને રૂા.ર.ર૯ કરોડની પેનલ્ટી કપાત કરાશે તેમ જણાવ્યું છે.

મ્યુનિ. કાઉન્સિલર આશિષ જાેશીએ તમામ પુરાવાઓ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોરની કામગીરી કરતા સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને પશ્ચિમ ઝોનમાં કામગીરી કરતાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશનના વાહનો મે મહિનામાં કચરા કલેકશનના હજારો પોઈન્ટ મીસ કર્યા હોવા છતાં પેનલ્ટી કરવાની જગ્યાએ રિપોર્ટમાં ઝીરો મિસિંગ પોઈન્ટ દર્શાવી પૂરેપૂરા બિલનું ચૂકવણું કરવામાં આવી રહ્યાની તેમજ રજૂઆત બાદ જૂના ડેટા પણ ગુમ થયા હોવાની રજૂઆત મ્યુનિ. કમિશનરને કરી હતી.

પાલિકા દ્વારા ડોર ટુ ડોરની કામગીરી માટે કરોડો ચૂકવવામાં આવે છે. ત્યારે આ કૌભાંડની રજૂઆત બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનના કોન્ટ્રાકટર સીડીસીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા એજન્સીને પૂર્વ ઝોનની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીનો ઈજારો આપવામાં આવેલ છે. એજન્સી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરી અને પાલિકાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર ખાતે રોકેલ એજન્સી એએનએસ સિસ્ટમ ઈન્ડિયા પ્રા.લિ. ખાતે ઈન્ટિગ્રેશન કરવામાં આવેલ છે. પૂર્વ ઝોનમાં મે ર૦રરના મિસ્ડ પોઈન્ટના ડેટા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. એએનએસ સિસ્ટમ ઈન્ડિયા દ્વારા ડેવલપ કરેલ રિપોર્ટિંગ સોફટવેર, સિસ્ટમ, એપ્લિકેશનમાં મે ર૦રર માસના કુલ ૬૫૩૭ જેટલા રિપોર્ટમાં ઝીરો મિસ્ડ પોઈન્ટ રિપોર્ટ કરવામાં આવેલ છે અને જૂના ડેટા પણ ગુમ કરી દેવામાં આવેલ છે.

આ બાબતની સ્પષ્ટતા ના થતાં કોન્ટ્રાકટર અને એએનએસ સિસ્ટમ ઈન્ડિયા તરફથી મે ર૦રરના દર્શાવવામાં આવેલ કુલ ૬૫૩૭ મિસ્ડ પોઈન્ટ અને રૂા.૪૦,૪૦,૮૦૦ પેનલ્ટી તેમજ પૂર્વ ઝોનના જૂના ડેટા ગુમ થવા બાબતે ખુલાસો પુરાવા સહિત સાત દિવસમાં રજૂ કરવા. અન્યથા પેનલ્ટીની કપાત અને અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપી છે.

તેવી જ રીતે પશ્ચિમ ઝોનના કોન્ટ્રાકટર ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને નોટિસ આપી જણાવ્યું છે કે, મે ર૦રરના મ્યુ. સભાસદ દ્વારા દર્શાવવામાં આવેલ કુલ ૩૮૨૧૯ મિસ્ડ પોઈન્ટ અને રૂા.ર,ર૯,૩૧,૪૦૦ પેનલ્ટી અને પશ્ચિમ ઝોનના જૂના ડેટા ગુમ થવા બાબતે ખુલાસો કરી પુરાવા સહિત સાત દિવસમાં રજૂ કરવા પેનલ્ટીની કપાત અને અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાે કે, હવે આ સમગ્ર કથિત કૌભાંડ મામલે કડક કાર્યવાહી કરાશે કે પછી સમગ્ર મામલો ઠંડો પાડી દેવામાં આવશે તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના કાઉન્સિલર દ્વારા ડોર ટુ ડોરમાં કૌભાંડ ચાલતા હોવાનું કરાયેલ રજૂઆતના ૪૮ કલાકમાં જુનો ડેટા એકાએક ગુમ થઈ જતાં એ અંગે પણ અનેક તર્કવિર્તક સર્જાયા હતા.ઉપરાંત ડોર ટુ ડોર વાહનોના બીલો પાલિકાના જ એક નિવૃત્ત કર્મચારી દ્વારા બનાવામાં આવતા હોવાની રજૂઆતને પણ મ્યુ.કમિશ્નરે ગંભીરતાથી લઈ તાકીદે પરિપત્ર કરીને કોઈપણ ત્રાહિત વ્યકિત કચેરીમાં કર્મચારીની જગ્યાએ બેસેલો જણાશે તો જે તે ખાતા અધીકારી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.