‘લાલ ડાયરી ફેમ’ કુખ્યાત બૂટલેગર વિક્રમ ચાવડાને એલસીબીએ ઝડપ્યો
23, નવેમ્બર 2020

વડોદરા

શહેર અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનાર કુખ્યાત બૂટલેગર અને લાલ ડાયરી ફેમ વિક્રમ ચાવડાને અંતે જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડયો છે. જિલ્લા અંતરિયાળ ગામમાં રહી શહેર અને જિલ્લામાં વિદેશી દારૂનો ધીકતો ધંધો કરતો વિક્રમ ચાવડાના નામે શહેર-જિલ્લામાં અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકયા છે. દારૂના ધંધાની ધીકતી કમાણીથી એને જમીનો અને મકાનો મોટી માત્રામાં ખરીદ્યા હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસે આ અંગે પણ તપાસ કરવી જરૂરી છે.

શહેર પોલીસની આબરુના લીરેલીરા ઉડાવનાર લાલ ફાયરી પ્રકરણમાં વૈકુંઠ સોસાયટી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડી હવાલદાર સુધી દારૂના ધંધામાં છૂટ બદલ અપાતા હપ્તાની રજેરજની માહિતી બહાર આવી હતી. જાે કે, એ પહેલાંથી જ વિક્રમ ચાવડા લાંબા સમય સુધી દારૂના ધંધા એકહથ્થુ રાજ ચલાવતો હતો, જેના કારણે વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારો તેમજ ડભોઈ તાલુકાન ભિલોડિયા ગામે મોટી જમીનો અને મકાનો પરિવારના નામે ખરીદ્યા હતા.

તાજેતરમાં રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હતી જે અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળની ટીમે વિક્રમ ચાવડાને એના વૈકુંઠ-૧ માં આવેલા ગજાનંદ ફલેટના નિવાસસ્થાનેથી ઝડપી પાડયો હતો. દારૂના ધંધાની મોટી કમાણીથી વિક્રમ ચાવડાએ ભિલોડિયા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં ખરીદેલી બેનામી મિલકતોની પૂરતી તપાસ થાય તો સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી શકે એમ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution