જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં ધરપકડ કરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2021  |   3366

ગાંધીનગર, કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં ૪૦થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતો. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે, જાેકે જયેશની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી.

જામનગરના વકીલ કિરીટ જાેશીની એપ્રિલ, ૨૦૧૮માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ અલગ કેસમાં ૪૦થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જાેશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા હતા. કિરીટ જાેશીની હત્યા મામલે અગાઉ ૩ સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે.

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના ૧૪ સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ ૧૦ લાખ સુધીના દંડની જાેગવાઈ કરવામાં આવી હતી.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution