07, ઓગ્સ્ટ 2025
2772 |
સુરત, તૈયબા ડેવલોપર્સે ખરીદેલી રાંદેરની કિંમતી જમીનમાં ઘાવટે બંધુઓનો ભાગ બળજબરથી લખાવી લઇ અન્યને વેચી દેવાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે નાસીર પઠાણ બાદ સજ્જુ કોઠારીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. અઠવાલાઇન્સ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ. કે. સોલંકીએ જણાવ્યું હતું કે, શાહપુરમાં રહેતાં ૬૧ વર્ષીય શોયેબ સમસુદ્દીન ઘાવટે તૈયબા ડેવલોપર્સ નામની પેઢીમાં ભાગીદાર છે. આ પેઢીમાં શોએબ ઘાવટે ઉપરાંત તેમના ભાઈ અનવરશાદાત સમસુદીન ધાવટે તથા રફીક ચાચા પાડેલા, મદની પલ્લા. મુકીમ મદની પલ્લા, મુસ્તાક પ્લમ્બર, કીરોઝ પ્લમબર, મોહમંદ અલી રફીક પાડેલા તથા હારુન અબ્દુલ રઝાક છાયા ભાગીદાર હતાં. તેમણે રાંદેરમાં આવેલી રેવન્યુ સર્વે નંબર -૩૬૭/૧, પૈકીની ૫૧૦૯ ચો.મી.વાળી જમીન ખરીદી હતી. જેમાં ઘાવટે બંધુઓ પચ્ચીસ ટકાનો હિસ્સો ધરાવતાં હતાં. ૨૦૦૯ ના વર્ષમાં નાસીરખાન રશીદખાન પઠાણ, મોહમદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારીએ શોયેબ ઘાવટેનો સંપર્ક કર્યો હતો. કોઠારીએ તેને પોતાની ઓફિસે બોલાવી ધાક ધમકી આપી હતી. તેમને માર મારી રોકડા ૪૧ લાખ પકડાવી વકીલ મારફતે ઘાવટે બંધુઓના હિસ્સાની જમીનનું બળજબરીથી લખાણ કરાવી લેવાયું હતું. ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૧માં કોઠારી અને પઠાણે એક સપ્લીમેન્ટરી પાર્ટનરશીપ ડીડ બનાવી તૈયબા ડેવલોપર્સ પેઢીમાં પોતાના ના નામ દાખલ કરવા અંગેની તજવીજ કરી હતી. જો કે, તેમણે કરાવેલા સમજૂતી કરારથી ભાગીદારી પેઢીમાં તેમના નામ દાખલ થઇ શકે એમ ન હોવાથી તેઓએ નવું સપ્લીમેન્ટરી પાર્ટનરશીપ ડીડ બનાવ્યું હતું, જેમાં મદની અઝીઝ પલ્લા અને મુકીન મદની પલ્લાનાઓ મુંબઈ ખાતે રહેતા હોવા છતાં તેમની ખોટી સહી કરાઇ અને અંગૂઠાનું નિશાન લેવાયું હતું, ત્યારબાદ તેઓએ ઘાવટે બંધુનો હિસ્સો રફીક પાડેલાને વેચી દીધો હતો. આ કેસમાં નાસીરખાન રશીદખાન પઠાણ બાદ હવે સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ છે. જેલવાસ ભોગવતા સજ્જુનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ત્રણ દિવસના રિમાન્ડ લઇ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પઠાણ અને કોઠારીની કરતૂતોથી વાકેફ હોવા છતાં જમીન ખરીદનારા રફીક પડેલાની શોધખોળ કરાઇ રહી છે.