રાજકોટ-

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યુ છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોને નિયમોનું પાલન કરવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ રાજ્યની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓને હોસ્પિટલની બહાર ઊભા રહીને બેડ ખાલી થવાનું વેટિંગ કરવું પડી રહ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમની પાસેથી પૈસા લઇને હોસ્પિટલમાં બેડ ખાલી કરાવી દેતા હોવાનું સામે આવી રહ્યું છે અને આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં અને તેની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હવે કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક કૌભાંડ સામે આવ્યું છે કે, જેમાં હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરવા માટે બેડ ખાલી કરાવવાના 9 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 

સમગ્ર ઘટનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી આ પ્રકારના કિસ્સાઓ સામે રહ્યા છે તેની અમને જાણ થઇ છે. આ બાબતે જે પણ લોકો સંડોવાયેલા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જે વીડિયો વાયરલ થયો છે તેમાં જે યુવક જોવા મળી રહ્યો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલનો કર્મચારી નથી. તો બીજી તરફ રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલા અને પૈસા લઈને ચાલ્યા ગયેલા ઈસમની સામે ગુનો નોંધીને તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.