29, ઓગ્સ્ટ 2025
ગાંધીનગર |
4158 |
પરિવારે 1 વર્ષમાં અરજી કરવી પડશે
ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને નાણાકીય સહાય આપવાના રાજ્ય સરકારના 2011ના ઠરાવનો અમલ વર્ગ 3 અને 4 સહિતના કાયમથી માંડી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળતો હતો. પરંતુ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોને લાભઆપવામા આવતો ન હતો. ત્યારે હવે સરકારે રાજ્યની મહાનગર પાલિકાઓ દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોના શિક્ષકોના પરિવારને ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં 14 લાખની સહાય આપવાનો ઠરાવ કર્યો છે.
સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 2011માં ઠરાવ બહાર પાડીને ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાયની યોજના લાગુ કરવામા આવી હતી. ત્યારબાદ સહાયમાં વધારો કરાયો હતો. 2017માં સરકારે વર્ગ 3 અને 4ના કરાર આધારીત ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને પણ નાણાકીય સહાય આપવા નીતિ દાખલ કરી હતી. વર્ષ 2022 અને 2023માં કાયમી તેમજ કરાર આધારીત કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને અપાતી સહાયમાં વધારા માટેનો ઠરાવ કરાયો હતો. જેમાં સહાય વધારીને 14 લાખ રૂપિયા કરાઈ હતી.
જોકે, ગુજરાત રાજ્ય નગર પ્રા.શિ.સંઘ દ્વારા આ મુદ્દે અનેકવાર રજૂઆત કરાઈ હતી. છેલ્લા 13 વર્ષથી આ મુદ્દે લડત ચાલતી હતી, ત્યારે સરકારે અંતે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોને પણ ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને સહાય આપવાનું ઠરાવ્યુ છે. હાલમા રાજ્યની 8 મહાનગર પાલિકાઓ સંચાલિત સરકારી સ્કૂલોમાં 12400થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે.