મુંબઇ
એક સમયે ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કહેવાતા ઇરફાન પઠાણ હવે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. ઇરફાન કોઈ હિન્દી નહીં પણ તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મની જાહેરાત ઇરફાનના 36મા જન્મદિવસ પર કરવામાં આવી છે અને ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર પણ લોન્ચ કરાયું છે. ફિલ્મના પોસ્ટરમાં ઇરફાનનો સાઈડ ફેસ દેખાઈ રહ્યો છે. ઇરફાન પહેલાં પણ ઘણા ક્રિકેટરો ફિલ્મોમાં દેખાયા ચૂક્યા છે. આ તામિલ ફિલ્મનું નામ 'કોબરા' છે અને તેમાં ઈરફાન પઠાણનું નામ અસલાય યિલમાઝ છે અને તે એક ફ્રેંચ ઈન્ટરપોલ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ ફિલ્મમાં તામિલ સુપરસ્ટાર ચિયાન વિક્રમ પણ હશે.
કેટલાક મીડિયા રીપોર્ટ મુજબ ચિયાન વિક્રામ આ ફિલ્મમાં એક ભારતીય જાસૂસનો રોલ કરી શકે છે. જેના અલગ અલગ અનેક રૂપ જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં કેએસ રવિ કુમાર, શ્રીનિધિ શેટ્ટી જેવા કલાકારો મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.