દિલ્હી-

દેશમાં વેકસીનના ઉત્પાદનમાં ગુજરાતમાં વધુ એક કંપની જોડાઇ છે. એક તરફ ઝાયડસ કેડીલા દ્વારા પોતાની જ વેકસીન ઝાયકોવ તૈયાર કરવામાં આવી રહી છે તે વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ એક ટવીટ કરીને માહિતી આપી હતી કે ભારત સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકને વેકસીન ઉત્પાદન માટે મંજૂરી આપી છે.

તેઓએ ટવીટમાં જણાવ્યુ કે દેશમાં તમામને નિ:શુલ્ક વેકસીન મળે તે માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દીર્ઘદ્રષ્ટિથી આયોજન કર્યુ છે તેના ભાગરૂપે દેશભરમાં જયાં પણ શકય છે તે સુવિધા ઉપર વેકસીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવાયો છે અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અંકલેશ્વરમાં એક વેકસીન મેન્યુફેકચરીંગ ફેસીલીટી (ફાર્મા કંપની) ખાતે કોવેકસીનનું ઉત્પાદન કરશે. આ માટે ભારત બાયોટેકે ફોર્મ્યુલા અને ટેકનોલોજી બંને ટ્રાન્સફર કરવા નિર્ણય લીધો છે. માંડવીયાએ જણાવ્યુ હતું કે ભારત અગાઉ જ વેકસીનના ઉત્પાદનમાં વિશ્ર્વમાં નંબર વન છે અને હવે ભારતની આ સિઘ્ધિ આગળ વધશે. કોવેકસીનએ ભારત બાયોટેક હૈદરાબાદ દ્વારા ઉત્પાદીત વેકસીન છે અને તેનો એક માત્ર પ્લાન્ટ હાલ હૈદરાબાદમાં છે. તેનું બીજુ ઉત્પાદન મથક ગુજરાતમાં હશે.