ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સભ્યોની આજે ગાંધીનગર ખાતે શપથ વિધિ યોજાઈ હતી. આ શપથ વિધિ કાર્યક્રમમાં રાજ્યના તમામ ૧૮૨ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ પોતાની આગવી શૈલીમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર આવતી કાલે એક દિવસનું સત્ર મળશે. આ સત્રની પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાઘ્યક્ષની ચૂંટણી યોજાશે, જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ દ્વારા સંબોધન કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વિધયક ૨૦૨૨ને પસાર કરવામાં આવશે. આજે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી. વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર તરીકે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે વિધાનસભા ખાતે તમામે તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવરાવ્યા હતા. જેમાં ભાજપના ૧૫૬ સભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જ્યારે કોંગ્રેસના ૧૭ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તો આમ આદમી પાર્ટીના ૫ અને અપક્ષના ૩ ધારાસભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

રામ અને બંધારણના સોંગધ ખાઈને શપથ લેવાયા

ચૂંટાયેલા તમામ સભ્યના શપથ વિધિ સમારોહમાં પંચમહાલની કાલોલ બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના ચૂંટાયેલા તમામ સભ્યોએ ઈશ્વરના સોંગધ લઈને શપથ લીધા હતા. જાે કે, કાલોલના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગધ લીધા હતા. આમ વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તો વડગામ બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા હતા.

૧૧ સભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા

વિધાનસભામાં આજે શપથવિધિ દરમિયાન ૧૧ એવા સભ્ય હતા કે, જેમને સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જેમાં ૯ પુરુષ સભ્યએ ધારાસભ્યના શપથ લીધા હતા અને ૨ મહિલા સભ્યએ સંસ્કૃત ભાષામાં ધારાસભ્યના શપથ લીધા હતા. જેમણે ગુજરાતીના સ્થાને સંસ્કૃતમાં શપથ લેવાનું યોગ્ય માન્યું હતું. તેમાં દર્શિતા શાહ, દર્શના દેશમુખ, અનિરુદ્ધ દવે, અનિકેત ઠાકર, કિરીટ પટેલ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, અર્જુન મોઢવાડિયા, પદ્યુમન વાજા, શંભુનાથ ટુંડિયા અને કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.

પૂર્ણેશ મોદીએ હિન્દીમાં શપથ લીધા

આજે વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ ધારાસભ્ય પદના શપથ ગુજરાતી ભાષાના સ્થાને હિન્દી ભાષામાં શપથ લીધા હતાં. આમ પણ પૂર્ણેશ મોદી હિન્દી ભાષાને વધુ પ્રાધાન્ય આપે છે. અગાઉ પણ વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ અનેક વાર હિન્દી ભાષામાં નિવેદનો કર્યા હતા. પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં પોતાની વાતને હિન્દીમાં રજૂ કરી હતી. આજે શપથ વિધિમાં પણ હિન્દી ભાષાને મહત્વ આપીને હિન્દીમાં જ શપથ લેવાનું પસંદ કર્યું હતું.

શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી

વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીને ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો મેળવી છે. ત્યારે આવતીકાલે ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળી રહ્યું છે. જેના અંતર્ગત આજે વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર યોગેશ પટેલ દ્વારા બાકીના તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ પદના ઉમેદવાર એવા શંકર ચૌધરી આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું હતું.શંકર ચૌધરીએ કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ અવસરે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતી શિયાળ,પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર તેમજ પ્રદેશના મહામંત્રીઓ, હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ શંકર ચૌધરીએ પક્ષ-સરકારના અગ્રણીઓની હાજરીમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.