
સમગ્ર સુરત શહેરને ૪૮ કલાક સુધી ભરડામાં લેનાર ખાડીપૂરની સમસ્યાનાં કાયમી નિવારણનાં ભાગરૂપે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઉપર થયેલાં દબાણો તોડી પાડવાનો આદેશ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે આજે આપ્યો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ, સિંચાઇ વિભાગનાં અધિકારીઓ સાથે સંકલન સાધીને ૨૦ વર્ષ પહેલાં ખાડીઓની જે સ્થિતિ હતી તે સ્થિતિ લાવવા માટે મહાનગર પાલિકાનાં અધિકારીઓને તેમણે જણાવ્યું હતું. સ્થાયી સમિતિ અધ્યક્ષે કોઇની પણ શેહશરમ રાખ્યા વિનાં ખાડી ઉપરનાં દબાણો તોડી પાડવાનો આદેશ આપ્યો તો ખરો પરંતુ ખાડીઓની આસપાસ ઘણી જગ્યાએ ગેરકાયદે ઝીંગાતળાવો આવેલાં છે જેને રાજકીય નેતાઓનાં આશીર્વાદ હોવાથી તૂટતાં નથી તેવો ગણગણાટ અધિકારીઓમાં સાંભળવા મળ્યો હતો.
સુરત મહાનગરપાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાંથી પસાર થતી ખાડી પરના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે તાકીદ કરી છે. તેઓએ આદેશ આપતા જણાવ્યું હતું તે સોમવારે આ મુદ્દે પાલિકાનાં અધિકારીઓ, ટાઉન પ્લાનિંગ વિભાગ અને સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ભેગા મળી મહત્વની મીટિંગ કરી શહેરમાં જે પણ જગ્યાઓ પર ખાડી પર દબાણ થયું છે તેને તાત્કાલિક હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરે.
ગત વર્ષે મળેલી ખાડી પૂર નિવારણ સમિતિની બેઠક બાદ આ વર્ષે સુરત શહેરમાં ખાડીપૂર નહીં આવે તેવી મોટી મોટી ડંફાસો પાલિકા દ્વારા મારવામાં આવી હતી પરંતુ પહેલા જ વરસાદમાં ખાડી પૂરે પાલિકા તંત્રની અને શાસકોની મોટી મોટી વાતોની પોલ ઉઘાડી પાડી દીધી હતી. પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે અને અનેક લોકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ ફરીથી સુરત શહેરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ખાડી પૂરને લઈ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ખાડીની સમસ્યા નિવારવા માટે મુખ્યમંત્રી દ્વારા રૂ૫૦૦ કરોડની જાહેરાત કરાઈ હતી. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી હતી કે સોમવારે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને તેના પર કામ શરૂ કરવામાં આવે. ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સિંચાઈ વિભાગ અને અન્ય વિભાગો સાથે મળી ખાડીપુર પર થયેલું ગેરકાયદે બાંધકામ અને દબાણો હટાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે. ગત વર્ષે ખાડીપુર નિવારણ સમિતિ દ્વારા બેઠકમાં કેટલાક વિસ્તારોમાં દબાણો હોવાના આંકડા તથા સ્થિતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ માહિતીનાં આધારે તાત્કાલિક ધોરણે દબાણો તોડી પાડવા માટે આદેશ આપ્યો છે.
૨૪ કલાકમાં શહેર ચોખ્ખુંચણાક કરવા રાજ્ય સરકારનો આદેશ
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરત મનપા દ્વારા હવે ‘રાઉન્ડ ધ ક્લોક‘ એટલે કે ૨૪ કલાક સતત સફાઈની કામગીરી કરવામાં આવશે. જેથી નાગરિકોને વહેલી તકે ગંદકીમાંથી મુક્તિ અપાવી શકાય. તંત્ર દ્વારા એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે આગામી ૨૪ કલાકની અંદર જ શહેરભરનાં તમામ મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાંથી કચરાનાં ઢગલાઓને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે. હાલ પ્રથમ તબક્કામાં રસ્તાઓ પર નડતરરૂપ અને ગંદકી ફેલાવતા કચરાના આ મોટા ઢગલાઓને તાત્કાલિક દૂર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રાથમિક સફાઈ પૂર્ણ થયા બાદ તુરંત જ, મનપાની આરોગ્ય અને સફાઈ ટીમ દ્વારા માઈક્રો લેવલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં આવેલા ખાડીપૂરને કારણે રહીશો અને વેપારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. પૂરના પાણી લોકોના ઘરો, સોસાયટીઓ અને દુકાનોમાં ઘૂસી જતાં કરોડો રૂપિયાના માલ-સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે, ત્યારે લોકોએ પોતાના ઘરો અને દુકાનોમાંથી બગડી ગયેલો, સડી ગયેલો અને નકામો થઈ ગયેલો તમામ માલ-સામાન બહાર કાઢીને રસ્તાઓ પર ખડકી દીધો છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના વિશાળ ઢગ ખડકાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા તંત્રને ૨૪ કલાકમાં શહેરમાં કચરાના ઢગ હટાવી લેવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.
મૃત્યુ પામેલાના વારસદારોને ૪ લાખની સહાય ચૂકવાશે
સુરત શહેર અને જિલ્લામાં બે દિવસ સુધી વરસેલા મુશળધાર વરસાદ તથા અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરના કારણે સર્જાયેલી આપત્તિમાં કરંટ લાગવા, વીજળી પડવા તેમજ પાણીમાં ડૂબી જવા સહિતનાં વિવિધ કારણોસર અત્યાર સુધીમાં ૪૨ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકોના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)નાં ધોરણો મુજબ પ્રતિ વ્યક્તિ ૪ લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સુરત શહેરમાં મેઘરાજાએ ભરે બઘડટી બોલાવી હતી. ૧૦ થી ૧૯ ઇંચ મુશળધાર વરસાદ વરસતા અડધું શહેરમાં જળબંબાકારમાં ફેરવાયું હતું મુશળધાર વરસાદ તથા અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરના કારણે આપત્તિ સર્જાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદ અને પૂરની આપત્તિ બાદ રાહત અને પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત શહેર અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે માટે વિવિધ વિભાગોને તાત્કાલિક કામગીરીના નિર્દેશ આપવામાં આવ્યા છે.રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં તાત્કાલિક રાહત અને પુન:સ્થાપનની કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવશે. જિલ્લા કલેકટર કલેટર વરસાદી આપત્તિમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના વારસદારોને જીડ્ઢઇહ્લનાં નિયમો મુજબ રૂ૪ લાખની સહાય ચૂકવવામાં આવશે. આ માટેની ગ્રાન્ટ તમામ મામલતદારોને અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી સહાયની પ્રક્રિયા ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે.
સુરત શહેરમાં બે દિવસ સુધી પડેલા મુશળધાર વરસાદ અને અનેક વિસ્તારોમાં આવેલા ખાડીપુરને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. બંને ગત ૭ જુલાઈની સાંજથી ગુમ હતાં. ગુરુવારે સાંજે અલગ અલગ સ્થળેથી તેમના મૃતદેહ મળી આવતા પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વધુ બે મૃતદેહ મળી આવવા સાથે મૃત્યુઆંક વધુને ૪૨ ઉપર પહોંચ્યો છે.
ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય ઇમરાન શેરખાન પઠાણ ગત ૭ જુલાઈએ કામ અર્થે સચિનના ઇકલેરા વિસ્તારમાં ગયો હતો. ગુરુવારે સાંજે ભેસ્તાન ખાતે જન્નત બંગલા નજીક અન્નુખાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વરસાદી પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું છે. ઇમરાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને ત્રણ સંતાનો છે.
બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં સચિન રોડ પર ખરવાસા નજીક બોણંદગામમાં રહેતા ૭૨ વર્ષીય શાંતારામભાઈ પાટીલ ગત ૭ જુલાઈએ સાંજે બમરોલી રોડ વિસ્તારમાં મજૂરી કામ માટે ગયા હતા. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી. ગુરુવારે સાંજે ખરવાસા રોડ પર મંદિર નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
Loading ...
