અમદાવાદ-

બટાકા-ડુંગળીના વધતા ભાવો બાદ હવે તેલના વધતા ભાવોએ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડ્યું છે. બધા ખાદ્યતેલો (cooking oil), મગફળી, સરસવનું તેલ, વનસ્પતી તેલ, સોયાબીન, સૂર્યમુખી તેલ એટલે કે, તમામ તેલના ભાવમાં ફરી વધારો થયો છે. પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ સરકાર માટે ચિંતાનું કારણ બન્યા છે. આ જ કારણ છે કે સરકાર તેના ભાવ ઘટાડવાના માર્ગો પર વિચાર કરી રહી છે. ભારતમાં પામ તેલની આયાત કરવામાં આવે છે, પરંતુ લોકડાઉનને કારણે મલેશિયા જેવા દેશોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે. આ સાથે બિયાના ભાવમાં પણ વધારો થયો છે. જો કે સરકારના સ્તરે ભાવને અંકુશમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પામોલિન તેલ અને સોયાબીન તેલ જેવા ખાદ્યતેલોની કિંમતોમાં સપ્ટેમ્બરમાં લગભગ 15 ટકાનો વધારો જોવાયો હતો. બીજી બાજુ સરસવ તેલ અને સૂર્યમુખી તેલના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. હવે સરકારે વિચાર કરવો પડશે કે પામતેલની આયાત ડ્યુટી ઘટાડવી જોઈએ કે કેમ કારણ કે પામતેલના ભાવમાં થયેલા વધારાની અસર અન્ય ખાદ્યતેલોના ભાવને સીધી અસર પડે છે.