અમદાવાદ-

ઇરોઝ ઇન્ટરનેશનલના ડિજિટલ પ્લેટફોર્મ ઇરોઝનાઉ પર ગુજરાતી ભાષાની પહેલી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'શોર્ટ સર્કિટ' રીલિઝ થશે. ૨૩મી જાન્યુઆરીએ રીલિઝ થતી આ ફિલ્મમાં આરજે ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. ફિલ્મની વાર્તા સૈમ નામના એક યંગસ્ટરની છે. સૈમ એક સાયન્ટિસ્ટના કાવતરાંમાં ફસાઈ છે, જેમાં તેણે ટાઇમ લૂપ તોડીને પોતાની ગર્લફ્રેન્ડ અને દુનિયાને બચાવવાના છે. ધ્વનિત કહે છે, 'ફિલ્મ માત્ર વર્તમાનમાં ચાલે છે એવું નથી, ફિલ્મની વાર્તા ભૂતકાળ અને ભવિષ્યમં પણ લઈ જાય છે તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હીરોએ એક જ દિવસને ફરીથી જીવવાનો છે અને એ જીવતી વખતે અમુક બાબતોમાં ચેન્જ કરતાં જવાનો છે.' ઇરોઝ ગ્રૂપના ચીફ કન્ટેન્ટ ઓફિસર રિધિમા લુલ્લાએ કહે છે, 'છેલ્લા થોડા સમયથી જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર કોન્ટેન્ટની માંગ નીકળે છે એ દેખાડે છે કે હવે સમય ડિજિટલ પ્લેટફોર્મનો છે. ઇરોઝ હવે ડિજિટલ ફિલ્ડમાં પણ પોતાની લાઇબ્રેરી સ્ટ્રોન્ગ કરશે અને એની શરૂઆત ગુજરાતીથી કરશે.'