વડોદરા, તા.૧૬

વડોદરા શહેરમાં આજે દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ એકા એક ઘોઘમાર વરસાદ શરૂ થતા લોકો અટવાઈ ગયા હતા.એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ચાલુ વરસાદની મોસમમાં વડોદરામાં અત્યાર સુઘીમાં ૮૪ ટકા જ્યારે જિલ્લાના પાદરા,કરજણ અને શિનોર તાલુકામાં મોસમનો ૧૦૦ટકા વરસાદ થઈ ગયો છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે. શ્રાવણ મહિનાના પ્રારંભે કેટલાક દિવસ વિરામ પાળ્યા બાદ છુટોછવાયો વરસાદ જારી રહ્યો હતો.આજે પણ સવાર થી વડોદરા શહેરમાં સતત છુટો છવાયો વરસાદ જારી રહ્યો હતો.જાેકે, સાંજે પાંચ વાગ્યાની આસપાસ એકાએક વાદળા ઘેરાયા હતા અને ઘોઘમાર વરસાદ શરૂ થતા નોકરી પરથી છુટીને ઘરે જઈ રહેલા તેમજ ઘરની બહાર નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.લગભગ એક કલાક જેટલો સમય ઘોઘમાર દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના ચાર દરવાજા વિસ્તાર, દાંડિયા બજાર સહિત અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.જ્યારે જેતલપુર બ્રિજ,અલકાપુરી સહિત સ્થળે ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા.

જાેકે, એકાદ કલાક ઘોઘમાર વરસ્યા બાદ વરસાદ રોકાઈ જતા લોકોએ રાહત અનુભવી હતી.અને જે માર્ગો પર પાણી ભરાયા હતા તે ગણતરીના સમયમાં ઉતરી ગયા હતા.વડોદરામાં દિવસ દરમિયાના બે ઈંચ વરસાદ થયો હતો.જ્યારે અનેય તમામ તાલુકાઓમાં છુટો છવાયો હળવો વરસાદ નોંઘાયો હતો.વડોદરા શહેરમાં મોસમના કુલ સરેરાશ વરસાદની સામે અત્યાર સુઘીમાં ૮૪ ટકા વરસાદ થઈ ગયો છે. જ્યારે જિલ્લાના કરજણ, પાદરા અને શિનોર તાલુકામાં મોસમનો ૧૦૦ ટકા વરસાદ થઈ ગયો છેે.ડભોઈ તાલુકામાં પણ સરેરાશ વરસાદની સામે ૯૫ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ડેસર અને સાવલી તાલુકામાં થયો છે.આમ વડોદરા જિલ્લામાં મોસમના કુલ સરેરાશ વરસાદની સામે ૮૩ ટકા વરસાદ થઈ ચૂક્યો છે.