23, ઓક્ટોબર 2020
1980 |
વડોદરા
કારેલીબાગ વીઆઈપી રોડ પર આજે મોડી સાંજે કારમાં ગ્રાહકને કોલગર્લ પહોંચાડવા માટે આવેલા નામચીન દલાલ જીવન ઉર્ફ ગેરીને કારેલીબાગ પોલીસ કોલગર્લ સાથે ઝડપી પાડી ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જીવને અન્ય એક કોલગર્લને સયાજીગંજની હોટલમાં સપ્લાય કરી હોવાની જાણ થતાં પોલીસે સયાજીગંજની હોટલમાં પણ દરોડો પાડી અન્ય યુવતીને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
થોડાક સમય અગાઉ સયાજીગંજ પોલીસ મથકમાં સેક્સ રેકેટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલો નામચીન દલાલ જીવણ ઉર્ફ ગેરીએ ફરી ગ્રાહકો સાથે ઓનલાઈન સંપર્કમાં રહી તેમજ તેઓને ઉત્તર-પુર્વીય ભારતની યુવતીઓના ફોટાઓ મોકલીને ગ્રાહકોની માગણી મુજબની યુવતીઓને દેહવેપાર માટે મોકલીને સેક્સ રેકેટ શરૂ કર્યું હોવાની કારેલીબાગ પોલીસને જાણ થતાં પોલીસે ડમી ગ્રાહક મારફત જીવણને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી.
પોલીસે ડમી ગ્રાહક મારફત જીવણ સાથે ઓનલાઈન ચેટીંગ કર્યું હતું જેમાં જીવણે ઉત્તર-પુર્વીય ભારતની કેટલીક યુવતીઓના ફોટા મોકલ્યા હતા. આ ફોટામાંથી એક યુવતીને પસંદ કરીને તેની સાથે દેહસુખ માટે ડમી ગ્રાહકો સોદો કર્યો હતો. સોદા મુજબ આજે મોડી સાંજે જીવણ ઉક્ત પસંદ કરેલી યુવતીને કારમાં લઈને વીઆઈપી રોડ પર ગ્રાહકને પહોંચાડવા માટે આવ્યો હતો.
દરમિયાન તેણે યુવતીને ડમી ગ્રાહકને સોંપતા જ ટ્ેપમાં ઉભેલી કારેલીબાગ પોલીસે યુવતી અને જીવણને ઝડપી પાડ્યા હતા. પોલીસ બંનેને લઈને પોલીસ મથકમાં આવી હતી જયાં પ્રાથમિક પુછપરછમાં જીવણે અન્ય એક સોદામાં ઉત્તર-પુર્વીય ભારતની જ એક યુવતીને સયાજીગંજની હોટલમાં ગ્રાહક પાસે મોકલી હોવાનું જણાવતા પોલીસે તે યુવતીને બચાવવા માટે તુરંત સયાજીગંજની હોટલમાં દરોડો પાડ્યો હતો.
આ બનાવમાં દેહવેપારનો ભોગ બનેલી યુવતીને પોલીસે જીવણના સંકજામાંથી મુક્ત કરાવી જીવન વિરુધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન સેક્સરેકેટમાં સંડોવાયેલા જીવણ સાથે શહેરના અનેક માલેતુજારો તેમજ બિલ્ડરો, વેપારીઓ અને યુવાવર્ગ સતત સંપર્કમાં રહીને દેહસુખ માટે યુવતીઓ મેળવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ગુનામાં પોલીસ જાે ઊંડાણ પૂર્વક તપાસ કરશે તો શહેરના અનેક નામાંકીત અને ખાનદાની નબીરાઓના નામો સપાટી પર આવશે તેમ જાણકારોનું માનવું છે.