રિયાધ-

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં દર વર્ષે અંદાજે 25 લાખ જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુ હજ યાત્રા માટે આવતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હજ યાત્રાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ 65 વર્ષથી ઓછી વયના અને કોઈ પણ રોગથી પીડાતા ન હોય તેવા શ્રદ્ધાળુઓને જ યાત્રામાં સામેલ થવાની પરવાનગી અપાશે.

વિશ્વભરમાં કોરોના વાઈરસના વધી ગયેલા સંકટને કારણે આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા સરકારે મોટી જાહેરાત કરી છે. આ વર્ષે માત્ર 1000 શ્રદ્ધાળુઓને જ હજ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. આ વર્ષે હજ યાત્રા 29 જુલાઈથી શરુ થવાની છે.  જો કોઈ યાત્રી શારીરિક રીતે સ્વસ્થ નહીં હોય તો તેની યાત્રા રદ કરી દેવામાં આવશે. ઉપરાંત હજ યાત્રા માટે મક્કા પહોંચતા પહેલા યાત્રીઓનો કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવશે અને યાત્રા પૂર્ણ કર્યા બાદ દરેક શ્રદ્ધાળુએ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે એમ સાઉદીના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હાલ સાઉદી અરેબિયાની બહાર વસતા તીર્થયાત્રીઓ હજ યાત્રામાં ભાગ નહીં લઈ શકે. આને કારણે વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં નિરાશા વ્યાપી ગઈ છે. ભારતમાંથી આ વર્ષે એક પણ વ્યક્તિ હજ યાત્રા માટે નહીં જઈ શકે. ભારતમાંથી હજ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવેલા 2.13 લાખ શ્રદ્ધાળુઓના નાણાં તેમના બેંક ખાતામાં પરત જમા કરાવી દેવામાં આવશે. મહત્વનું છે કે, સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 2,53,349 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 2523 જણના મોત થયા છે.