ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ : કોંગ્રેસનો આક્ષેપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1782

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના શાસક પક્ષ દ્વારા થઈ રહેલા ગંભીર અને વ્યાપક ઉલ્લંઘનો અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(ડ) અને ૨૪૩(વક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની સંવિધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ પડે છે અને તે દરમિયાન સરકાર, શાસક પક્ષ અથવા જાહેર સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર કે લાભ મેળવવાનો પ્રયાસ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. છતાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી દર્શાવે છે કે આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિશ્ચિત કરવાની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું અને તેની અસરકારક દેખરેખ રાખવી આવશ્યક છે. જાે આચારસંહિતાના ભંગની ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી ન થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થાય છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution