લિફ્ટ અને તેનાં સ્થાપનની વીજળીક સલામતિ સુનિશ્ચિત કરાવી લેવી આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, નવેમ્બર 2020  |   1188

આણંદ : રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક દ્વારા જણાવ્યાોનુસાર લિફ્ટ અને તેનાં સ્થાપનની વીજળીક સલામતી સુનિશ્ચિત કરાવી લેવી અનિવાર્ય છે. એ જ રીતે લિફ્ટ સ્થાપનોના માલિકોને લાઈટિંગ સર્કિટમાં સત્વરે આરસીસીબી પ્રસ્થાપિત કરવા પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત લિફ્ટ અને એસ્કેલેટર્સ એકટ - ૨૦૦૦ અને તે હેઠળ ઘડાયેલાં નિયમો મુજબ રાજયમાં સ્થપાતા નવાં લિફ્ટ સ્થાપનો અને હાલમાં કાર્યરત લિફ્ટ સ્થાપનોને સતત સલામત સ્થિતિમાં જાળવી રાખવાની અને તેમાં કોઇ અકસ્માત ન સર્જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી લિફ્ટ સ્થાપનના માલિકની રહે છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં લિફ્ટની કેબીન પર વીજકરંટ લીકેજ થવાના કારણે બે વ્યકિતઓના મૃત્યુ થયાં હતાં. લિફ્ટનો ઉપયોગ કરનાર મુસાફરોને વીજકરંટ લીકેજ સામે રક્ષણ પૂરું પાડવા માટે લિફ્ટ-કાર કેબીનની લાઇટિંગ સર્કિટમાં ૩૦ મિલી એમ્પીયરની સંવેદનશીલતાવાળું અર્થ લીકેજ રક્ષણાત્મક ઉપકરણ એટલે કે આરસીસીબી લગાવવામાં આવે તો આવા અકસ્માત બનવાની સંભાવના નિવારી શકાય તેમ છે. રાજયમાં કાર્યરત તમામ લિફ્ટ સ્થાપનોના માલિકોને અને લિફ્ટનું ઇરેકશન તથા મેઇન્ટેનન્સ કરવા માટે અધિકૃત કરાયેલ સરકાર માન્ય એજન્સીઓને તેમની માલિકી/મેઇન્ટેનન્સ હેઠળની લિફ્ટની સલામતી જાળવવા અને વીજળીક અકસ્માત નિવારવા માટે લિફ્ટ કાર-કેબીનની લાઇટિંગ સર્કિટમાં સત્વરે આરસીસીબી પ્રસ્થાપિત કરવા આથી તાકીદ કરવામાં આવે છે. 

 લિફ્ટ સ્થાપનમાં આરસીસીબી પ્રસ્થાપિત કરાયા અંગેની જાણ સંબંધિત ચીફ ઇન્સ્પેકટર ઓફ લિફ્ટને તરત જ કરવા વિનંતી છે. લિફ્ટનો ઉપયોગ કરનાર નાગરિકોની સલામતી જળવાય તે માટે સહકાર આપવા તમામ સંબંધિતોને વિનંતી પણ કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution