વડોદરા, તા.૨૨ 

ફતેગંજ પોલીસ મથકમાં જ પૂછપરછના બહાને બોલાવી મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના પ્રકરણમાં હાઈકોર્ટના આદેશથી હત્યાની ૩૦૨ની કલમ દાખલ થઈ છે ત્યારે ફતેગંજ પોલીસની હેવાનિયતનો ભોગ બનેલા શેખ બાબુના પરિવારને મોટી રકમનું વળતર આપવાની સૂચના પણ રાજ્યની વડીઅદાલતે આપતાં એ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેલંગાણા રાજ્યના કામારેડ્ડી ગામેથી અમદાવાદ આવી રૂમ ભાડે રાખી રહેતા શેખ બાબુનો પરિવાર ગરીબ સ્થિતિમાં છે અને કમાનાર માત્ર શેખ બાબુ જ હતા અને દર મહિને કમાણીની મોટાભાગની રકમ પરિવારના ગુજરાન માટે મોકલાતી હતી ત્યારે પરિવાર નોંધારો બન્યો છે. ફતેગંજ પોલીસ મથકમાં જ એની હત્યા કરી દેવાઈ છે એવા સમયે પરિવારને મોટી રકમનું વળતર આપવા માટેની સૂચના વડીઅદાલતે સંબંધિત વિભાગને આપી છે.

શેખ બાબુનું મોત નીપજતાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથ માધાભાઈ રબારી, અ.લો.ર. પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીવણસિંહ, રાજેશ સવજી અને હિતેશ શંભુભાઈએ મળીને લાશ સગેવગે કરી દીધી હતી.દરમિયાન આ બનાવની તપાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલાતે એસીપી જી.એસ.પાટીલને કરવા માટે હુકમ કર્યો હતો. એસીપી જી.એસ.પાટીલની લાંબી તપાસ અને વિવિધ લોકોના લીધેલા નિવેદનોમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને તેમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શેખ બાબુની અટકાયત કરીને તેઓને માનસિક, શારીરિક ત્રાસ આપતાં મોત નીપજ્યું હોવાની હકીકત બહાર આવી હતી. આ સાથે તેઓની લાશ સગેવગે કરી દીધી હોવાની હકીકત બહાર આવી હતી. ઉપરાંત ફરિયાદની કોપી પણ ડિલિટ કરીને પુરાવાનો નાશ કર્યોહોવાની અને બી સમરી ભરી દીધી રિપોર્ટ રજૂ કરી દીધો હોવા સુધીની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

બીજી બાજુ હાઈકોર્ટે બાબુ શેખને ૧૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ હાજર કરવા માટે આદેશ કર્યો હતો. જાે કે, ૧૦ જુલાઈ આવે તે પહેલાં જ એસીપી જી.એસ.પાટીલે બાબુ શેખના મોત માટે જવાબદાર પીઆઈ ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથભાઈ માધાભાઈ રબારી, પોલીસ જવાન પંકજ માવજી, યોગેન્દ્રસિંહ જીવણસિંહ, રાજેશ સવજીભાઈ, હિતેશ શંભુભાઈ સહિતના સામે આઈપીસી કલમ ૩૦૪, ૨૦૧, ૨૦૩, ૨૦૪ અને ૩૪ મુજબ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હવે આ તમામ આરોપીઓ સામે હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ભોગ બનેલા શેખ બાબુના પરિવારને વળતર ચૂકવવા માટે પણ વડીઅદાલતે સૂચના આપી છે.