એક સમય હતો જ્યારે ભાજપા અત્યંત ગરીબ હતી અને તમામ સ્તરે ચુંટાયેલા પ્રતિનિધિઓનું સંખ્યાબળ પણ નહીંવત હતું. આજે ભાજપા દોમ દોમ સાહ્યબીમાં આળોટે છે અને તળિયાથી નળિયા સુધી ચુંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા સર્વાધિક છે. ગરીબ ભાજપાએ શ્રીમંત ભાજપા બનવા મૂલ્યોથી માંડીને તમામ આદર્શોને દફનાવી દીધા અને આજે એને એનો રંજ પણ નથી અને શરમ પણ. જાડી ચામડીની નફ્ફટ થઇ ગયેલી ભાજપા એટલે કમળ નિશાનવાળી કોંગ્રેસ છે એવી લાગણી સાથે ભાજપાના મૂળ સિદ્ધાંતોને વરેલા અનેક પીઢ અને દિગ્ગજ નેતાઓ આજે ભાજપાના આ બદલાયેલા દીદાર અને દાનતથી વિક્ષિપ્ત છે. જે પાર્ટીને લોહી સિંચીને ઉછેરી એના પર આજે કલમ કરીને પકાવાતા ઝેરી ફળો પાર્ટીનો જીવ લેશે એવું પાર્ટીના મદાંધ ઠેકેદારોનું બૌદ્ધિક કોણ લે એવી પીડા એ ભોગવી રહ્યા છે. ભાજપાના આવા જ એક સમર્પિત કાર્યકર યોગેન્દ્ર સુખડિયા (બલ્લુ)ના દુઃખદ નિધન ટાણે એમને શ્રદ્ધાંજલિ આપતી સર્વાણીમાં આજે આખો દિવસ મૂળ ભાજપાના સિદ્ધાંતોને વરેલા અને હજી પણ એનું જતન કરી રહેલાઓની ઘવાયેલી લાગણી સોશિયલ મીડિયા પર ઠેરઠેર જાેવા મળી અને શહેરભરમાં ચર્ચાનો વિષય બની.